શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ વાજબી-વળતરદાયક કિંમત રૂ.315 ક્વિન્ટલ મંજૂર
નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)નાં હિતને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2023-24 (ઑક્ટોબરથી સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત વસૂલાત દર- બેઝિક રિકવરી રેટ માટે રૂ. 315 ક્વિન્ટલ મંજૂર કર્યા છે. 10.25 ટકાથી વધુના રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા માટે રૂ.3.07 ક્વિન્ટલનું પ્રીમિયમ આપવા અને રિકવરીમાં દર 0.1 ટકાના ઘટાડા માટે એફઆરપીમાં રૂ.3.07 ક્વિન્ટલનો ઘટાડો કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત શેરડીના ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવાના હેતુથી સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે ખાંડની મિલો જ્યાં રિકવરી 9.5 ટકાથી ઓછી હોય તેવા કિસ્સામાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. આ પ્રકારના ખેડૂતોને ખાંડની ચાલુ ખાંડની સીઝન 2022-23માં રૂ. 282.125 ક્વિન્ટલ સામે આગામી સીઝન 2023-24માં શેરડી માટે રૂ. 291.975 ક્વિન્ટલ મળશે.
ખાંડની સીઝન 2023-24 માટે શેરડીનાં ઉત્પાદનનો ખર્ચ રૂ.157 ક્વિન્ટલ છે. 10.25 ટકાના રિકવરી રેટ પર 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આ એફઆરપી ઉત્પાદન ખર્ચ કરતા 100.6 ટકા વધુ છે. ખાંડની સીઝન 2023-24 માટે એફઆરપી વર્તમાન ખાંડની સીઝન 2022-23 કરતા 3.28% વધારે છે. મંજૂર કરાયેલી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સીઝન 2023-24 (1 ઑક્ટોબર, 2023થી શરૂ કરીને) ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ પડશે. ખાંડ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે જે ખેત મજૂરી અને પરિવહન સહિત વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં કાર્યરત લોકો ઉપરાંત આશરે 5 કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતો અને ખાંડ મિલોમાં સીધા કાર્યરત આશરે 5 લાખ કામદારોની આજીવિકાને અસર કરે છે. એફઆરપીને કૃષિ ખર્ચ અને કિંમત માટેનાં પંચ (સીએસીપી)ની ભલામણોને આધારે તથા રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી નક્કી કરવામાં આવી છે.