Site icon Revoi.in

ઓક્સિજન સપ્લાય ન ખોરવાય તે માટે રિલાયન્સથી જામનગર-રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે

Social Share

જામનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનો ભય ટળ્યો નથી ત્યાં જ તાઉ-તે વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે ત્યારે જ જામનગરના જિલ્લા કલેકટર રવિ શંકરે જણાવ્યું કે, ઓક્સિજન સપ્લાય ન ખોરવાય તે માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ રિલાયન્સથી જામનગર – રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે, ઉપરાંત આર્મી, એરફોર્સ અને નેવીની ટીમને પણ તૈનાત રખાઈ છે. અને 200 એસએસબી જવાનોને પણ સ્ટેન્ડ બાય છે. જરૂર પડ્યે એરફોર્સના હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે.

જામનગર જિલ્લામાં હાલ વાવાઝોડાની આગાહીના પગલે 22 ગામના 29000 લોકોનું સ્થળાંતર કરાયું છે. તમામ સ્થિતિને પહોંચી વળવા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.. વાવાઝોડાની આગાહીના પગલે જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે, આગામી તા.17 ને સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધી જામનગર જિલ્લામાં તીવ્ર પવન અને ભારે વરસાદ થશે તેમ હવામાન વિભાગની આગાહી છે. જેને લઇ કોવિડ હોસ્પિટલ માટે ઓક્સિજન જથ્થો અને વીજ પુરવઠો પૂરતો મળી રહે તેવી વયસ્થા કરાઈ છે.

દરિયાકાંઠા નજીકના 22 ગામોના લોકોનું સ્થળાંતર કરાયુ છે. તેમજ 7 સોલ્ટ વર્ક્સના અગરિયાઓનું સ્થળાંતર પણ કરાયું છે. એરફોર્સ.આર્મી અને એસએસબી જવાનો 200, બે એનડીઆરએફની ટિમો સજ્જ છે. ખેડૂતો પોતાનો ખેત પેદાશોને ખુલ્લામાં ન રાખવા તેમજ પશુઓને છુટા મુકવા ચેતવણી આપી છે. તાલુકા મથકો પર કલાસ વન અધિકારીની નિમણુંક કરાઈ છે. જેસીબી બોટ સહિતના સાધન, તરવૈયા સાથે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખેલ છે. જિલ્લાની 752 બોટ દરિયામાંથી પરત ફરી છે. જામનગરથી દેશભરમાં ઓક્સિજન જતો હોય તેથી રેલવે વ્યવહાર ન ખોરવાઈ તેવી તૈયારી કરાઈ છે. જામનગર શહેરમાં જોખમી હોર્ડિંગ દૂર કરાયા છે. અને જી. જી. કોવિડ હોસ્પિટલમાં આઠ અને નવ માળ ખાલી કરી દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરાયા છે.