પાલનપુરઃ બનાસકાંઠામાં હોળી-ધૂળેટીનું પર્વ ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે, જેમાં થરાદ તાલુકાના મેસરા, દિપડા, મોરથલ, લુણાવા, બેવટા અને ધાનેરા તાલુકાના થાવર સહિતનાં અનેક ગામોમાં વર્ષોથી પરંપરા મુજબ વડીલો અને યુવાનો દેશી પોશાકમાં સજ્જ થઇ ઘેર (ગેર) લોકનૃત્ય રમે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત અને રાજસ્થાનમાં હોળી – ધુળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી – ધુળેટીના તહેવારની ઊજવણી લોકો ભારે આનંદોલ્લાસથી કરતા હોય છે. થરાદ તાલુકાના મેસરા, દિપડા, મોરથલ, લુણાવા, બેવટા અને ધાનેરા તાલુકાના થાવર સહિતનાં અનેક ગામોમાં વર્ષોથી પરંપરા મુજબ વડીલો અને યુવાનો દેશી પોશાકમાં સજ્જ થઇ ઘેર (ગેર) લોકનૃત્ય રમે છે. ઘેર એટલે ગોળ વર્તુળમાં ફરવુ (રમવુ). બીજો અર્થ, હોળી ખેલવા નીકળેલ ટોળી કે ઘેરૈયાનું ટોળું થાય છે. લોકનૃત્ય રમતા લોકોને ઘેરૈયા તરીકે ઓળખવામાં આવે છે. ઘેરૈયા લાકડી લઈને રાસ રમે. જેને ઘેરરાસ કે ગેરરાસ કહેવામાં આવે છે. આ દિવસોમાં ઢુંઢવિધિ (બાળકના જન્મબાદ પ્રથમ આવતી હોળી પર્વના દિવસો દરમ્યાન ઢૂંઢવિધિ કરવામાં આવે છે.) કરવામાં આવે છે. રાત્રે બાળકને ઢૂંઢાડ્યા બાદ ઘેરરાસ (ગેરરાસ) રમવામાં આવે છે. આ સિવાય, આ લોકનૃત્યને સામુહિક રીતે દિપડા ગામમાં ફાગણ વદ બીજ ‘ફુલડોળ’ના દિવસે તથા નવરાત્રિ દરમિયાન રમવામાં આવે છે. થાવર ગામમાં આ લોકનૃત્યને ધુળેટી (ફાગણ વદ – ૧)ના રોજ રમવામાં આવે છે. ફાગણ સુદ પૂનમ (હોળી) ના રોજ સાંજે હોળી દહનનો કાર્યક્રમ, ફાગણ વદ એકમ (ધુળેટી)ના રોજ લોકનૃત્ય રમવામાં આવે છે. મોરથલ, બેવટા, લુણાવામાં ધુળેટીના દિવસે રમવામાં આવે છે. જ્યારે ડીસામાં માળી સમાજ દ્વારા અને માલગઢમાં ધુળેટીના દિવસે લોકનૃત્ય રમવામાં આવે છે. મેસરા ગામમાં રાજેશ્વર ભગવાનના મંદિરે ચૈત્ર સુદ નોમ-દશમનું રમવામાં આવે છે. આમ જિલ્લાના ગામડાંઓમાં હોળી-ધૂળેટીનું પર્વ અનેરી રીતે ઊજવવામાં આવતું હોય છે.
મેસરા ગામના વડીલો અને યુવાનો ફાગણ વદ -1ના રોજ સવારમાં ગામના પાદરમાં દેશી પોશાકમાં સજ્જ થઇ હાથમાં ટુંકી લાકડીઓ લઈ દેશી ઢોલના તાલે લાકડીને ફેરવી અને એકબીજાની લાકડીને ટકરાવીને લોકનૃત્ય રમે છે. તે દિવસે આખુ ગામ એક થઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઘેર (ગેર) લોકનૃત્ય રમીને અસ્મિતા અને સંસ્કૃતિને સાચવી રહ્યા છે. ધૂળેટીના દિવસે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધારે છે. આ લોકનૃત્યને થરાદ, ધાનેરા, ડીસા વિસ્તારમાં રમવામાં આવે છે.