નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના ડિરેક્ટર જનરલ, મુખ્ય સચિવ, મણિપુરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અને સેના અને ગૃહ મંત્રાલય (એમએચએ)ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી હતી અને મણિપુરમાં હિંસાની વધુ કોઈ ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. ગૃહ મંત્રીએ મણિપુરમાં શાંતિ અને સુલેહની પુન:સ્થાપના માટે કેન્દ્રીય દળોની વ્યૂહાત્મક તૈનાતી પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જરૂર પડ્યે દળોમાં વધારો કરવામાં આવશે. ગૃહ મંત્રીએ વધુમાં નિર્દેશ આપ્યો કે હિંસાના ગુનેગારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જ જોઇએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર મણિપુરનાં તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અમિત શાહે રાહત શિબિરોમાં ખાસ કરીને ખાદ્યાન્ન, પાણી, દવાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓની ઉચિત ઉપલબ્ધતાનાં સંબંધમાં સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.
ગૃહ મંત્રીએ મણિપુરના મુખ્ય સચિવને વિસ્થાપિતો માટે યોગ્ય આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ અને તેમના પુનર્વસનની ખાતરી કરવા સૂચના આપી હતી. ગૃહ મંત્રીએ હાલમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષનું સમાધાન કરવા સંકલિત અભિગમનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય બંને જૂથો, મૈઈતેઈ અને કુકી લોકો સાથે વાત કરશે, જેથી વહેલામાં વહેલી તકે વંશીય વિભાજનને દૂર કરી શકાય. ભારત સરકાર રાજ્યમાં સુરક્ષાની સ્થિતિને મજબૂત કરવા માટે મણિપુર સરકારને સક્રિયપણે ટેકો આપી રહી છે.