રાજકોટઃ મોરબીનો મચ્છુ ડેમ તૂટવાની ગોઝારી ઘટનાને આજે 11 ઓગસ્ટના રોજ 42 વર્ષ પૂર્ણ થયા છે. 42 વર્ષ વર્ષના વહાણા વીતી ગયા છે, એ મોરબીની ગોઝારી જળ હોનારતને આજે પણ મોરબીવાસીઓ ભયાનક જળ હોનારતને ભૂલ્યા નથી. જયારે મચ્છુ-2 ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. ભયાવહ હોનારતમાં સરકારે 2000 જેટલા લોકોનાં મોતનો અંદાજ લગાવ્યો હતો.
તારીખ 11મી ઓગસ્ટ, 1979, જયારે અવિરત મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ પાણીના સખત પ્રવાહને જીલી શક્યો નહોતો અને ડેમની એક દીવાલ તૂટી પડતા મહાવિનાશ સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો નહોતો કે આવી હોનારતની કોઈએ કલ્પના પણ કરી નહોતી. 11 ઓગસ્ટ, 1979નો એ દિવસ અને સમય હતો બપોરે 3.15નો.. જયારે મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા લોકોને એવી ચેતવણી આપવામાં આવી કે, ‘ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-2 ડેમ ભયજનક બન્યો છે લોકો સલામત સ્થળોએ જતાં રહે.’ પરંતુ ડેમ સાઈટ પરથી સંદેશા વ્યવહાર ઠપ થઈ જતાં મચ્છુ ડેમ તૂટયો હોવાની જાણ કરી શકાય નહોતી. જેથી લોકો જળ હોનારત વિશે કંઈ વિચારે કે સમજે તે પહેલા જ બપોરે 3.30 કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડયા હતા અને આખ્ખા શહેરને વેરવિખેર કરી નાખ્યું હતું. એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.
ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. પૂરમાં હોમાઈ ગયેલી માનવ મૃતદેહો ઠેર-ઠેર પડયા હતા. તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા, જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડયા રહ્યા હતા. એ વખતે ટાંચા સરકારી સંસાધનોને કારણે રેસ્કયુ અને સર્ચ ઓપરેશનમાં પણ વિલંબ થયો એટલે ખરો મૃત્યુઆંક બહાર આવ્યો જ નહીં. યોગ્ય રેકોર્ડ અને કોઈપણ ઓળખ પૂર્ણ થાય એ પહેલા માનવ અને પશુઓનાં ઠેર-ઠેર રઝળતા મૃતદેહોથી રોગચાળો ફેલાવાનું જોખમ લાગતા સામુહિક અગ્નિદાહ કે દફનવિધીઓ કરી નાખવામાં આવી હતી. મોરબી હોનારતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓની સેવા સરાહનીય રહી હતી. હાલના દેશના વડાપ્રધાન અને તત્કાલિન સમયે સંઘના સહ પ્રાંત યુવા પ્રમુખ નરેન્દ્રભાઈ મોદી પણ સેવા કાર્યમાં જોતરાયા હતા. મોરબીવાસીઓ આજે પણ આ ઘટનાને ભૂલ્યા નથી.શહેરીજનોએ મોરબીમાં મણી-મંદિર પાસે બનાવેલા સ્મૃતિ સ્તંભ ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આરએસએસના અનેક આગેવાનો અને સ્વંયસેવકો પણ મોરબીમાં જળહોનારત બાદ સમાજ સેવામાં જોડાયાં હતા.