Site icon Revoi.in

સુરતમાં મ્યુનિ.ની આવાસ યોજનાના મકાનો દાયકામાં જર્જરિત બનતા હવે કરોડોના ખર્ચે નવા બનાવાશે

Social Share

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2013માં ભેસ્તાન વિસ્તારમાં ગરીબ પરિવારો માટે સરસ્વતી આવાસ યોજના બનાવી હતી. જેમાં 20  બિલ્ડીંગો બનાવીને 640 લાભાર્થીઓને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થીઓને મકાનોની સોંપણી થઈ ત્યારે જ નબળા બાંધકામની ફરિયાદો ઊઠી હતી. પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા ન લેવાયા, અને ઈજારદારની જવાબદારીનો પિરિયડ પૂરો થાય ત્યાં સુધીમાં આવાસ જર્જરિત થઈ ગયા હતા.  બિલ્ડીંગનો સ્લેબ પડવાના અનેક બનાવ બન્યા બાદ આવાસ રહેવા લાયક નહીં રહેતા ખાલી કરાવાયા હતા. હવે દાયકા પહેલા જ કરોડોના ખર્ચે બનેલા  જર્જરિત આવાસો તોડીને તેની જગ્યાએ નવા આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના સરસ્વતી આવાસ યોજનાના જર્જરિત એવી 20 બિલ્ડીંગ તોડી પાડી નવેસરથી બિલ્ડીંગ બનાવવા પહેલા  સૈધાંતિક મંજુરી સાથે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવાની દરખાસ્ત મ્યુનિની. સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. મ્યુનિએ 20 આવાસની સ્કેપ વેલ્યુ   2.86 કરોડ રાખી હતી, ટેન્ડર 51.54 ટકા નીચું એટલે કે 1.30 કરોડની ઓફર આવી છે. તેના પર આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે.

સુરત મ્યુનિ.કોર્પોરેશને વર્ષ 2012-13માં ટી. પી. સ્કીમ નં. 22 (ભેસ્તાન), એફ.પી. નં. 90માં સ્થિત સરસ્વતી આવાસ યોજના બનાવવામાં આવી હતી.  આ સરસ્વતી આવાસ કેમ્પસની 20 બિલ્ડિંગોમાં 640 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જોકે, આ બિલ્ડીંગ તકલાદી હોવાના કારણે કેમ્પસમાં અનેક દુર્ઘટના થતાં લોકો રહેવા માટે પણ ગભરાતા હતા. દાયકામાં મકાનોના સ્લેબ પડવા લાગ્યા હતા. અને મકાનો રહેવા લાયક નથી તેવા રિપોર્ટ બાદ બિલ્ડીંગને ખાલી કરાવવા સાથે લાભાર્થીઓને સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા અન્ય જગ્યાએ ટ્રાન્ઝિટ એકોમોડેશન અન્ય સ્થળે આપવામાં આવ્યું હતું. મ્યુનિ.એ બનાવેલા સરસ્વતી આવાસમાં રહેતા 20 બિલ્ડિંગોના  640 આવાસ ધારકોને નવેસરથી જાહેર આવાસોને પુનઃ વિકાસ યોજના-2016 હેઠળ સમાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી સ્થાયી સમિતિ દ્વારા જુન- 2020માં રજુ કરવામા આવી હતી. ત્યાર બાદ આ તમામ જર્જરિત 20 બિલ્ડીંગ ઉતારી તેનું ડિમોલિશન કરવા સાથે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી.