ઈટાલીઃ ડ્રગ્સ કેસમાં નજરકેદ રખાયેલા પતિએ પત્ની સાથે નહીં રાખવા પોલીસને કરી વિનંતી
દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ઈટાલીના રોમમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. રોમમાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠરેલા આરોપીને નજર કેદમાં રાખવામાં આવ્યો છે. તેમજ તેની સાથે પત્ની પણ રહે છે. દરમિયાન પત્નીની નવી-નવી માંગણીઓથી કંટાળેલો પતિ નજરકેદમાંથી ભાગીને સીધો પોલીસ સ્ટેશન ગયો હતો. તેમજ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીને વિનંતી કરી હતી કે, મને જેલમાં પુરી દો પરંતુ પત્ની સાથે ના રાખો. આરોપીની આ વિનંતી સાંભળીને પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે આરોપી સામે કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રોમમાં રહેતા 30 વર્ષીય યુવાનને ડ્રગ્સ કેસમાં દોષી ઠરાવીને નજરકેદમાં રાખવામાં આવ્યાં હતા. એટલું જ નહીં તેની સાથે હંમેશા પત્ની પડછાયાની જેમ રહેતી હતી. દરમિયાન યુવાન નજરકેદમાંથી ભાગીને સીધો પોલીસ સ્ટેશન ગયો હતો અને પોતાને જેલના સળિયા પાછળ ધકેલી દેવા વિનંતી કરી હતી. યુવાને પોલીસને કહ્યું હતું કે, ઘરમાં પત્ની સાથે રહેવુ મુશ્કેલ બન્યું છે. તેમજ પત્ની દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવે છે જે પુરી કરવી શકય નથી. જેલમાં રહેવા કરતા ઘરમાં રહેવુ વધારે જોખમી લાગે છે. જેથી જેલમાં પુરી દો. યુવાનની વિનંતી સાંભળીને પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યાં હતા.
પોલીસે આરોપીની નજરકેદના આદેશના ઉલ્લંધન બદલ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ તેને જેલમાં મોકલી આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
(PHOTO-FILE)