અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘વિકાસનો વિચાર’ મહત્વપુર્ણ છે અને તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણ છે. માણસામાં માલણ-ચંદ્રાસણ અને મલાવ તળાવનું જોડાણ થવાથી માણસા વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવશે અને જળક્રાંતિ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
માણસા પંથકમાં કેન્દ્ર અને રાજય સરકારે અત્યાર સુઘીમાં કુલ રૂ. ૧૧૮૨ કરોડના વિકાસ કાર્યો સાકાર કર્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માણસાના વિકાસ કાર્યોની અવિરત શૃંખલાથી માણસાના નાગરિક તરીકે રાજય સરકારનો આભાર માન્યો હતો. માણસા વિસ્તારમાં નવી રેલવે લાઇન નાખવાથી લઇને ૩૨ તળાવોનું નિર્માણ, બાર જેટલાં તળાવોના આંતરજોડાણ, ચંદ્રાસણ તળાવનું બ્યુટીફિકેશન, શહીદ સ્મારકનું નિર્માણ, અંબોડ સ્થિત કાલીમાતા મંદિર જિર્ણોધ્ધાર, માણસા-ગાંધીનગર, મહુડી-પુંદ્વા તેમજ કલોલ-માણસા ચારમાર્ગીય ઘોરીમાર્ગના નિર્માણ દ્વારા માણસા વિસ્તારના વિકાસ કાર્યોથી લોકોના જીવન ઘોરણમાં બદલાવ આવ્યો છે તેમ પણ શ્રી અમિતભાઇએ ઉમેર્યુ હતું.
ગૃહમંત્રીએ માણસા માટે આ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. તેમજ ભવિષ્યમાં માણસાની સાર્વજનિક હોસ્પિટલને અદ્યતન બનાવવાના આયોજન અંગે પણ માહિતી આપી હતી. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ સાંસદ અને ઘારાસભ્યોને જાગૃત લોકપ્રતિનિઘિ બનવાની હાકલ કરી છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવા જ આદર્શ નેતા અને જાગૃત લોકપ્રતિનિઘિ છે. તેઓ પોતાના મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને હંમેશા પ્રાઘાન્ય આપે છે. નાગરિકોની સુખાકારીને અગ્રિમતા આપે છે. જેના કારણે આજે ગાંધીનગર અને અમદાવાદના સંસદીય મતવિસ્તારને વિકાસનો અવિરત લાભ મળી રહ્યો છે.