અમારા શાસનમાં પાકિસ્તાનની છબી સુધરી છેઃ ઈમરાન ખાન
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય સંકટ ઉભુ થયું છે અને વડાપ્રધાન ઈમરાન ખાન સામે આવતીકાલે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન યોજાશે. તે પૂર્વે વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, અમારા કાર્યકાળમાં પાકિસ્તાનની છબી પહેલાથી વધારે સુધરી છે. અમે પાકિસ્તાનની જનતાની સાથે છીએ અને પાકિસ્તાનની જનતા અમારી સાથે છે.
વડાપ્રધાન ઈમરાન ખાને જણાવ્યું હતું કે, રાજકારણમાં એક ઈરાદા સાથે આવ્યો હતો અને મે પ્રજાના સારા માટે રાજનીતિ કરી છે. નવયુવાનોને સારુ ભવિષ્ય મળે તેવા મારા પ્રયાસો રહ્યાં છીએ. વડાપ્રધાન જનતાના પિતા જેવા હોય છે અને માતા-પિતા સંતાનોની ભલાઈ ઈચ્છે છે. આ પહેલા વડાપ્રધાન ઈમરાન ખાને કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં આવતીકાલે અવિશ્વાસ ઉપર થનારા મતદાન અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈમરાન ખાનની સત્તા સંકટમાં મુકાઈ છે. તાજેતરમાં જ વિપક્ષે અવિશ્વાસનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કર્યો હતો. જો કે, સંસદના ડેપ્યુટી સ્પીકરે પ્રસ્તાવને ફગાવ્યો હતો અને સંસદ ભંગ કરીને 90 દિવસમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતે અવિશ્વાસ દરખાસ્ત ફગાવવાના નિર્ણયને ગેરબંધારણીય ઠરાવ્યો હતો. તેમજ 9મી એપ્રિલના રોજ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવા નિર્દેશ કર્યો હતો.