ગાંધીનગરની ફાઇવસ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનના લોકાર્પણને પણ કોરોનાનું ગ્રહણ નડી ગયું
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આધુનિક રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલ પૂર્ણ થવા આવી છે. ગયા એપ્રિલ મહિનામાં આ બન્ને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના હતા પરંતુ કોરોના સંક્રમણના કારણે લોકાર્પણનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો છે. હવે આ કાર્યક્રમ જૂનના અંત કે જુલાઇમાં યોજાય તેવી શક્યતા છે.
ગાંધીનગરમાં બની રહેલી ફાઇવસ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનની કામગીરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ સીધી દેખરેખ રાખી રહ્યાં છે. એરપોર્ટ પર જેવી સુવિધા હોય છે તેવી સુવિધા ગાંધીનગરના આ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલી છે. આ બન્ને પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવા આવ્યું છે અને તેના લોકાર્પણની રાહ જોવામાં આવી રહી હતી. અગાઉ આ બન્ને પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. રેલવે વિભાગે 2019ના અંતમાં પ્રોજેક્ટ પુરો કરવાનો દાવો કર્યો હતો પરંતુ પ્રોજેક્ટનું 50થી વધારે ટકા કામ બાકી હતું.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ કરી રહ્યું છે. આ રેલવે સ્ટેશનના ટ્રેક પર ફાઇવસ્ટાર હોટલ બની રહી છે. દેશની એક મોટી કંપની હોટલ બનાવે છે અને તે ચલાવશે. આ હોટલની આસપાસ દુકાનો, મોલ્સ, બિગબજાર સહિતની સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટમાં ફુડકોર્ટની વધુ એક સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં નિમર્ણિાધિન રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલ મોંઘી પડી રહી છે. આ સંતુક્ત પ્રોજેક્ટનો ખર્ચ વધીને 721 કરોડ થયો છે. બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને 98 ટકા પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી 300 રૂમની સુવિધા કરી હોવાથી આ હોટલનો ખર્ચ વધી રહ્યો છે.
શહેરના મહાત્મા મંદિર પાસે બની રહેલા આધિનિક રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલના ખર્ચમાં 200 ટકાનો વધારો નોંધાયો છે. કેન્દ્રની સૂચના પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટમાં ઝડપ કરવા માટે સૂચના આપી હતી. ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (ગરૂડ) ના પહેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશન અને હોટલના વિકાસ માટે સૌ પ્રથમ 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો પરંતુ સુવિધાઓ વધારવામાં આવતા બજેટમાં બદલાવ કરવામાં આવ્યો હતો.