નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. દરમિયાન, જિલ્લાના શક્તિપુર વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં એક મહિલા ઘાયલ થઈ હતી. પોલીસ હજુ સુધી એ જાણી શકી નથી કે, તે બોમ્બ બ્લાસ્ટ હતો કે અન્ય કારણોસર વિસ્ફોટ થયો હતો. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા ઉપર થયેલા ભારે પથ્થરમારાને પગલે રાજકારણ ગરમાયું છે.
બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ ગુરુવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખીને મુર્શિદાબાદના રેઝીનગર વિસ્તારમાં રામ નવમીના શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તપાસની માંગ કરી હતી. તેમણે રાજ્યપાલને કાયદો અને વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. અગાઉ, ભાજપના બંગાળ એકમે આક્ષેપ કર્યો હતો કે, રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘જીલ્લા પ્રશાસનની પરવાનગીથી નીકળેલી રામ નવમીની શોભાયાત્રા પર શક્તિપુરમાં બદમાશોએ હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે, આ વખતે મમતા પોલીસે આ ભયાનક હુમલામાં બદમાશોને સાથ આપ્યો અને રામભક્તો પર ટીયર ગેસના શેલ છોડ્યા જેથી સરઘસ અચાનક સમાપ્ત થઈ જાય. એટલું જ નહીં, પોલીસ મણિક્યાર મોર ખાતે સનાતની સમુદાયની દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ કરતા બદમાશોને રોકી શકી નથી. આ મમતા બેનર્જીની ઉશ્કેરણીનું પરિણામ છે. હું ચૂંટણી પંચને વિનંતી કરવા માંગુ છું કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતાની નોંધ લે.
દરમિયાન, બ્રહ્મપુરના સાંસદ અને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સાંજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે કહ્યું, ‘હું અથડામણમાં ઘાયલ થયેલા લોકોને જોવા માટે માલદાથી આવ્યો હતો. પરંતુ ભાજપના કાર્યકરોએ હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે હિન્દુઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને મારી પાસેથી જવાબ માંગ્યો હતો. વિરોધ કરનારાઓએ તેમને પૂછવું જોઈએ જેમને જવાબ આપવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘યોજના મુજબ રમખાણો ભડકાવવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ આ વાત સાબિત કરે છે. મેં ચૂંટણી પંચ સાથે વાત કરી છે. શક્તિપુરમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને એસપી ઘટનાસ્થળે છે. હું ચૂંટણી પંચના સતત સંપર્કમાં છું.