સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસે સુરત શહેરમાં આવકવેરા વિભાગે 40 જેટલા સ્થળોએ દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું હતું. હીરાના મોટા ગજાના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઈટીના દરોડાને લીધે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે જ આવકવેરા વિભાગે વહેલી સવારથી સપાટો બોલાવી ડાયમંડના મોટામાથાઓ અને બિલ્ડર ગ્રુપ સહિત 40 જેટલા સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતાં ફફડાટ મચી ગયો હતો. આ અઠવાડિયામાં આવકવેરા વિભાગનું બીજું ઓપરેશન છે. સુરત ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓ દ્વારા ડાયમડં કિંગ ગણાતી એક પેઢી પર દરોડા પાડવાની છેલ્લા 9 મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. સૌરાષ્ટ્ર્ર અને સુરતમાં પણ પ્રથમ તબકકાનું મતદાન પુરું થતાની સાથે જ વહેલી સવારે 40 જેટલા સ્થળોએ દરોડા માટે આવકવેરાની ટીમ ત્રાટકીને મોટામાથાઓને ઉંઘતા ઝડપી લીધા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરતના હીરા ઉદ્યોગમાં મોટુ નામ ધરાવતા એક ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરોને પણ ઝપટે લેવામાં આવ્યા છે. ત્રણેયના રહેઠાણ ઉપરાંત ઓફીસો તથા બિલ્ડીંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. 40 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. આઈટી દ્વારા મોટાપાયે સર્ચ હાથ ધરાતા હીરા ઉદ્યોગ સહિત સમગ્ર વેપાર ઉદ્યોગ આલમમાં ખળભળાટ સર્જાયો છે. રાજકીય પ્રત્યાઘાતો પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની પ્રક્રિયા દરમિયાન પણ ગુજરાતમાં ત્રણ વખત ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા અને તેના પણ આકરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આવકવેરા વિભાગે ગુજરાતમાં ચૂંટણી ટાણે દરોડાનો દોર શરુ કર્યો હોવાથી વેપાર-ઉદ્યોગકારોમાં અને રાજકીય વર્તુળોમાં અનેકવિધ શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.