ભાવનગરઃ શાકભાજીના ભાવ વધારા સાથે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ગોહિલવાડ પંથકમાં માવઠાના માહોલ બાદ હવે તાપમાનમાં વધારો થયો છે. ત્યારે બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં લીંબુના એક કિલોના ભાવ રૂ.200ને વટાવી ગયો છે. હજી ગરમી વધશે તેમ લીંબુના ભાવમાં પણ વધારો થશે એવું શાકભાજીના વેપારીઓ કહી રહ્યા છે.
ગુજરાતના તમામ શહેરોમાં લીબુના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં માવઠા બાદ હવે ગરમીમાં વધારો થતાં લીંબુની માગમાં પણ વધારો થયો છે. સાથે જ રમજાન માસનો પણ આરંભ થયો હોય લીંબુની માંગ વધી છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો બની ચૂક્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે, જેની સામે માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોહિલવાડ પંથકમાં ગરમ સુકા પવનોની અસરથી ગરમીનો પારો ઉંચકાતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે સ્વાભાવિક જ લીંબુની માંગ વધી છે. સાથે સોડા અને સરબતમાં પણ લીંબુનો ઉપયોગ વધતા પુરવઠા સામે માંગ વધતા લીંબુના ભાવ વધી ગયા છે. લીંબુના ભાવ રૂા.200ને વટાવી ગયા છે. ભાવનગર શહેરમાં હજી તો એક મહિના પહેલા લીંબુના ભાવ કિલોના રૂ.40 હતા તે વધીને હાલ કિલોના રૂ.200 થયા છે. આમ લીંબુના ભાવમાં કિલોએ પાંચ ગણો વધારો થયો છે. સાથે જ અનાજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વગેરેના ભાવ વધી રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.