ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2000થી અત્યાર સુધીમાં 99 ટેસ્ટ મેચ જીતી
મુંબઈઃ ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતની ભવ્ય જીત થઈ હતી. હવે ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં નવનિર્મિત સ્ટેડિયમમાં રમાશે. ભારત વર્ષ 2000થી અત્યાર સુધીમાં 218 ટેસ્ટ મેચ રમી ચુક્યું છે. જેમાંથી 99માં જીત થઈ છે. હવે એક જીત મળતા જ ભારતીય ટીમ 21મી સદીમાં 100 ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયાની ટીમ બનશે.
ભારતીય ટીમે વર્ષ 1932થી ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. જો કે, પ્રથમ 1952માં ભારતને ટેસ્ટ મેચમાં પ્રથમ જીત મળી હતી. એક સમયે ભારતીય ટીમ મેચ બચાવવા માટે રમતી હતી. જો કે, સમય બદલાયો અને ભારતીય ટીમ ટેસ્ટમાં અન્ય ટીમોને ભારે પડવા લાગી હતી. 20મી સદીના અંતમાં ભારતીય ટીમને ઘરના સિંહ તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ 21મી સદીના પ્રારંભમાં જ ભારતીય ટીમ દેશ અને વિદેશમાં જીતના શિખી ગઈ હતી. વર્ષ 2000થી અત્યાર સુધીમાં ભારતીય ટીમે 218 ટેસ્ટ મેચમાંથી 99માં જીત મેળવી છે. જ્યારે 60 મેચમાં હારનો સામનો કર્યો હતો. જ્યારે 59 ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1932થી 1999 દરમિયાન 330 ટેસ્ટ મેચ રમી હતી. જે પૈકી 61માં જીત મળી હતી જ્યારે 109માં હારનો સામનો કરવો પડ્યો હતો. 159 ટેસ્ટ બચાવવામાં ભારત સફળ રહ્યું હતું. 1932થી અત્યાર સુધીમાં ભારત વિદેશી ધરતી પર 274 ટેસ્ટ રમ્યું છે. જેમાં 53માં જીત મેળવી હતી. 2000થી અત્યાર સુધીમાં વિદેશી ધરતી ઉપર ભારતીય ટીમે 40 ટેસ્ટ જીતી છે.