આતંકવાદ વિરુદ્ધ ભારતનું કડક વલણ, પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ રદ કરવા વધુ કેન્દ્રીય મંત્રીની માગ
દિલ્લી: આતંકવાદ મુદ્દે ભારતએ આકરું વલણ અપનાવ્યું છે અને આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સાથે અનેક વ્યવહારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસથી બિન સ્થાનિકોની આતંકવાદી સંગઠનો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવતી હોવાની ઘટનાના પગલે સમગ્ર દેશ પણ રોષ ફેલાયેલો છે. તેમજ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે
બીજી તરફ હાલ યુએઈમાં T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેમાં 24મી ઓક્ટોબરએ ભારત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ક્રિકેટ મેદાનમાં ઉતરીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. જો કે કાશ્મીરમાં ઊભી થયેલી આતંકવાદી પ્રવૃત્તિને પગલે કેટલાક રાજકીય આગેવાનોએ આ મેચને રદ કરવાની માગણી કરી છે ત્યારે હવે તેમાં વધુ એક રાજકીય નેતાનો ઉમેરો થયો છે.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ પાકિસ્તાન સાથેની મેચને પડતી મુકવાની માગણી કરી છે. દેશના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે.
24મી ઓક્ટોબરના રોજ રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચને લઇને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જણાવ્યું હતું કે, આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે મેચ રમવી તે યોગ્ય નથી. જેથી આ મેચ ના રમાવી જોઈએ. એટલું જ નહીં પણ ભારતીય ક્રિકેટરોએ પણ આ મેચ નો બહિષ્કાર કરવો જોઈએ.
આ મેચને લઇને બીસીસીઆઈના અગ્રણી એવા જય શાહ સાથે વાત કરવાની તેમણે તૈયારી દર્શાવી છે.આ ઉપરાંત કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરને પણ પત્ર લખી મેચ રદ કરવા વિનંતી કરી હોવાનું જાણવા મળે છે.
મહત્ત્વનું છેે કે કાશ્મીરમાં લઘુમતીઓ ઉપર થઈ રહેલા હુમલાના પગલે કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહ ભારત અને પાકિસ્તાનની મેચ અંગે ફરીથી વિચારણા કરવા અપીલ કરી હતી એટલું જ નહીં તાજેતરમાં જ આતંકવાદીઓ ઠાર મરાયેલા બિહારના બે શ્રમજીવીઓ પૈકી એકના પિતાએ પણ પાકિસ્તાન સાથેની ક્રિકેટ મેચ રદ કરવાની માગણી કરી હતી.
કાશ્મીરમાં વધી રહેલા આતંકવાદી હુમલાના પગલે દેશવાસીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાં ની માગ કરી રહ્યા છે એટલું જ નહીં પાકિસ્તાન સાથેના તમામ વ્યવહારો બંધ કરવાની માગણી પણ કરી રહ્યા છે.