બેંગ્લોરઃ ઈંગ્લેન્ડ સાથે પ્રથમ ટેસ્ટ મેચમાં પરાજ્યનો સામનો કરનારી ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં જોરદાર કમબેક કર્યું છે. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમ રમતના ચોથા દિવસે 292 રનમાં ઓલઆઉટ થઈ હતી. જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. બંને ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રમાશે.
બીજી ઈનીંગ્સમાં ભારત તરફથી જસપ્રીત બુમરાહ અ આર.અશ્વિને 3-3 વિકેટ લીધી હતી. આ મેચમાં બુમરાહે કુલ 9 વિકેટ હાંસલ કરી હતી. જેથી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અગાઉ ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે, તેમની ટીમ 399 રનનો ટાર્ગેટ 60-70 ઓવરમાં જ ચેઝ કરવાનો પ્રયાસ કરશે. જો કે, ભારતીય ટીમે તેમનું અભિમાન તોડી પાડ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ 300 રન પણ બનાવી શકી ન હતી. ઈંગ્લેન્ડ ટીમમાંથી માત્ર જૈક ક્રાઉલી જ 50 રનનો આંકડો પાર કરી શક્યો હતો. જ્યારે અન્ય બેસ્ટમેન મોટો સ્કોર બનાવી શક્યા ન હતા.
ટાર્ગેટનો પીછો કરવા માટે અંગ્રેજ ટીમની પ્રથમ વિકેટ ત્રીજા દિવસે જ પડી હતી. ચોથા દિવસે પ્રથમ વિકેટ રેહાન અહેમદની પડી હતી. ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટમાં પ્રથમ ઈનીંગ્સમાં 396 રન બનાવ્યાં હતા. ભારતીય વિસ્ફોટ્ક બેસ્ટમેન યશસ્વી જ્યસ્વાલે 209 રન બનાવ્યાં હતા. પ્રથમ ઈનીંગ્સમાં ઈંગ્લેન્ડની ટીમ 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે બીજી ઈંનીગ્સમાં ભારતે 255 રન બનાવ્યાં હતા. આમ ઈંગ્લેડની ટીમને ભારતીય ટીમે 399 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.