દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાનો મોકો મળશે. આ ટેસ્ટ પર્થના વાકા સ્ટેડિમમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 3 વન-ડે અને ટી-20 પણ રમશે.
- 3 વન-ડે અને 3 ટી-20 પણ રમશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આપેલી મહિતી અનુસાર એક માત્ર ટેસ્ટ પહેલા બંને ટીમ વચ્ચે સિડની ઓવલમાં 19મી સપ્ટેમ્બર, જંક્શન ઓવલમાં 22 અને 24મી સપ્ટેમ્બરના રોજ વન-ડે રમશે. ત્યાર બાદ નોર્થ સિડની ઓવલમાં તા. 7, 9 અને 11 ઓક્ટોબરના રોજ ટી-20 મેચ રમશે. આ પ્રવાસની શરૂઆત સપ્ટેમ્બરના મધ્યમાં ડાર્વિનમાં એક તાલીમ શિબિરની સાથે થશે.
JUST IN: India Women to play in a pink-ball day-night Test in Australia later this year, announces BCCI Secretary Jay Shah. pic.twitter.com/x8S4HqTlNG
— ICC (@ICC) May 20, 2021
- BCCI સચિવ જય શાહએ ડે-નાઈટ ટેસ્ટની કરી પૃષ્ટી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી જાહેર કરાયેલી સૂચના બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ જય શાહએ ટ્વીટ કરીને ડે-નાઈટ ટેસ્ટની પૃષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહિલા ક્રિકેટ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતા મને આ જાહેરાત કરીને ખુશી થાય છે કે, ટીમ ઈન્ડિયા ગુલાબી બોલથી પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ રમશે.
- મહિલા ક્રિકેટ ઈતિહાસની આ બીજી ડે-નાઈટ ટેસ્ટ
મહિલા ક્રિકેટ ઈતિહાસમાં આ બીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. જેમાં ગુલાબી બોલનો ઉપયોગ કરાશે. જો કે, પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામેલ હતી. વર્ષ 2017માં સિડનીમાં ઈંગ્લેન્ડ સાથે રમાયેલી આ ટેસ્ટ ડ્રો રહી હતી. ભારત સામે સિરીઝ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ અશેઝ સિરીઝના ભાગરૂપ મનુકા ઓવલમાં વધુ એક ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સાથે રમશે.
- ભારતીય મહિલા ટીમ દોઢ દાયકામાં ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પ્રથમવાર રમશે ટેસ્ટ
વર્ષ 2006માં એડિલેડ ટેસ્ટ પછી ઓસ્ટ્રેલિયામાં આ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ ટેસ્ટ હશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યાર સુધીમાં 9 ટેસ્ટ રમાઈ છે. જેમાં ચાર વાર ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. જ્યારે પાંચ મેચ ડ્રો રહી હતી. બંને ટીમો પ્રથમવાર 1977માં પર્થમાં ટેસ્ટ રમી હતી.
- આ વર્ષે મિતાલી રાજની ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચ રમશે
ભારત વર્ષ 2014 પછી પહેલીવાર એક જ વર્ષમાં બે ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા 16મી જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમાશે. જેમાં ભારતીય ટીમનું નૈતૃત્વ મિતાલી રાજ કરશે.