અમદાવાદઃ રાજ્યમાં કોરોના સામે સરકારે પણ અગમચેતિના પગલાં ભરવા શરૂ કરી દીધા છે. હાલ શિયાળાની સીઝનમાં ઘણાબધા લોકો શરદી, ઉધરસ કે તાવની બીમારીનો ભોઘ બનતા હોય છે. જેમાં ઘણા લોકો ખાનગી કે સરકારી તબીબ પાસે સારવાર માટે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર્સમાં જઈને દવા ખરીદતા હોય છે. આવા દર્દીઓ કોરોનામાં તો સપડાયા નથીને તે જાણવું જરૂરી હોવાથી હવે મેડિકલ સ્ટોર્સધારકોએ આરોગ્ય વિભાગને દવા ખરીદનારાના નામ, સરનામા સાથેની વિગતો મોકલવા જણાવાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતભરમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાંથી કોઇપણ નાગરિક પોતાના કે પોતાના પરિવારના સભ્ય માટે તાવ, શરદી અને ઉધરસ માટેની દવા ખરીદશે, તો એની વિગતો આરોગ્ય વિભાગને મોકલવાની રહેશે. રાજ્યમાં કોરોનાની સંભવિત લહેરની સામે રાજ્યના આરોગ્ય વિભાગે માળખાકીય સુવિધાઓની સજ્જતાની ચકાસણી કર્યા પછી હવે ટૂંક સમયમાં એક નવા પગલાં લેવાની આરોગ્ય વિભાગ તૈયારી કરી રહ્યું છે. અગાઉ કોરોનાની લહેર વખતે ખાસ મેડિક્લ સ્ટોર્સ દ્વારા વિગતો મોકલી શકાય એવી એપ્લિકેશન તૈયાર કરાઈ હતી. આ એપનો વધુ એક વાર ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં શરદી અને તાવનો ઉપદ્રવ વધ્યો છે. આવા કિસ્સામાં મોટાભાગે દર્દીઓ પોતાના ફેમિલી ડોક્ટર કે પોતાની રીતે મેડિકલ સ્ટોર્સ પરથી દવા ખરીદી ઉપચાર કરી લેતા હોય છે. જેને પગલે આરોગ્ય વિભાગ સુધી સચોટ માહિતી પહોંચતી નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આરોગ્ય વિભાગનું માનવું છે કે, શરદી, ઉધરસ અને તાવના કેસમાં અમુક દર્દીઓ એવા હોઇ શકે છે કે જેઓ કોઇ ટ્રાવેલ કરીને આવ્યા હોય, અથવા કોઇ મેળાવડામાં ગયા હોય અને પછી એમને વાયરલ શરદી સળેખમ, તાવ ઉધરસ જેવા ચિન્હો જણાય અને પોતાની રીતે મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદીને ઉપચાર કરી લેતા હોય. આવા કેસમાં જો ચોક્કસ માહિતી મળે તો તેમનો સંપર્ક કરીને ટેસ્ટિંગ કરી શકાય, અને કોરોના હોય તો તેનો ચેપ પ્રસરતો અટકાવી શકાય એવો ઉદ્શ્ય છે.