Site icon Revoi.in

બનાસકાંઠામાં વરસાદની અનિયમિતતાથી ગત વર્ષની તુલનાએ કઠોળના વાવેતરમાં થયો ઘટાડો

Social Share

પાલનપુરઃ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોરોએવો વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.જેમાં બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અપૂરતા વરસાદના પગલે વાવેતર ઘટ્યું છે. જિલ્લામાં 4 વર્ષે પાકની પેટર્ન બદલાઈ છે. જિલ્લામાં વરસાદની અનિયમિતતાથી કઠોળનું વાવેતર ખેડૂતોએ અડધા કરતા પણ ઓછું કરતા ખેતીવાડી વિભાગે પણ નોંધ લીધી છે.  હાલમાં સમગ્ર જિલ્લામાં 3.60 લાખ હેક્ટર જમીન પર વાવણી થઈ છે. જે વર્ષની ગત વર્ષની સરખામણીએ 1.53 લાખ હેક્ટર ઓછું વાવેતર છે. આ વર્ષે માત્ર 3998 હેક્ટર જમીન પર તુવેર મગ મઠ સહિત અન્ય કઠોળ પાકોનું વાવેતર થયું છે. ગતવર્ષે 10,838 હેક્ટરમાં કઠોળ નું જ્યારે 5 લાખ હેક્ટર કરતા વધુ કુલ વાવેતર જુલાઈના બીજા સપ્તાહ સુધીમા થયું હતું.

કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  બનાસકાંઠામાં 4 વર્ષ અગાઉ 2019-20માં 8778 હેક્ટરમાં , 20-21 માં 8736, 21-22માં 10,836 જ્યારે ચાલુ વર્ષે માત્ર 3998 હેક્ટરમાં કઠોળ પાકોનું વાવેતર થયું છે. વરસાદની અનિયમિતતાને લીધે ખેડૂતોએ કઠોળ પાકો સામે જોખમ લીધું નથી. તુવેર માત્ર દાંતામાં 60 હેક્ટર વિસ્તારમાં, મગ 2989 હેક્ટર વિસ્તારમાં અડદ 782 અને અન્ય કઠોળ માત્ર 167 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જિલ્લામાં સૌથી વધુ  મગફળીનું વાવેતર થયું છે. ત્યાં બીજા ક્રમે ઘાસચારો ત્રીજા ક્રમે બાજરી જ્યારે ચોથા ક્રમે કપાસનું વાવેતર થયું છે. જિલ્લામાં દિવેલાનું દર વર્ષે 80 થી 90 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે જેને હજુ એક મહિનાની વાર છે એટલે હાલ દિવેલાનું વાવેતર જિલ્લામાં ક્યાંય થયું નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેટલાક તાલુકાઓમાં એક સામટો વરસાદ પડી જવાથી વાવણી લાયક ન હોવાથી ત્યાં વાવેતર માટે રાહ જોઈ રહી છે જ્યારે મોટાભાગનું વાવેતર તમામ તાલુકાઓમાં થયું છે જેની સામે ધીમી ધાર નો વાવણી લાયક વરસાદની હજુ દરકાર છે. બનાસકાંઠા જિલ્લાની જમીન રેતાળ હોવાથી વરસાદી પાણી સીધું જમીનમાં જતું રહે છે અને ભેજવાળી રહેતી નથી જેથી જમીન બરાબર ભેજવાળી થાય એના પછી જ વાવેતર કરવું ખેડૂતોને પાક બચાવવા માટે હિતાવહ છે. હાલમાં વાવેતર મોડું ચાલી રહ્યું છે કઠોળ પાકોનું વાવેતર કેટલાક અંશે થોડા હેક્ટરમાં હજુ વધશે.