અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી પોલીસી બનાવવામાં આવી છે. રખડતા ઢોરને મ્યુનિ.ના ઢોરવાડામાં રાખવામાં આવે છે. બીજીબાજુ મ્યુનિ.ના ઢોરવાડામાં ગાયોના મૃત્યુ થતાં હોવાની માલધારીઓએ બબાલ મચાવ્યા બાદ શુક્રવારે મ્યુનિ.ની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિ.ના ઢોરવાડામાં યોગ્ય સારસંભાળના અભાવે ગાયોના મોત નિપજતા હોવાનો આક્ષેપ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના રાજીનામાંની માગ કરતા વિપક્ષ કોંગ્રેસ અને સત્તાધારી ભાજપના સભ્યો આમને-સામને આવી ગયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષનાં નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, ચાલુ ડિસેમ્બર મહિનામાં 20 દિવસમાં 500 જેટલી ગાયોનાં મોત થયા છે. રોજની 30થી વધુ ગાયોના મોતને ભેટી રહી છે. ગાયોના મૃત્યુ મામલે એએમસી જવાબદાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ગાયની સાર સંભાળ રાખી શકતું નથી અને રોજની 30 જેટલી ગાયોના મૃત્યુ થાય છે. વિપક્ષ નેતાએ ચેરમેનને રાજીનામું પણ માગ્યુ હતું.
વધુમાં વિપક્ષ કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, ગાયોના મૃત્યુ બાદ AMC દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે તેમ છતાં અમદાવાદમાં 218 જેટલી જગ્યા ઉપર જાહેરમાં કચરો નાખવામાં આવે છે. જેમાં સૌથી વધુ પ્લાસ્ટિક મળી આવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ શહેરમાં મળી આવે છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જ ગાયના મોત માટે જવાબદાર છે.
વિપક્ષ નેતાના આક્ષેપ સામે ચેરમેન દેવાંગ દાણીએ જવાબ આપ્યો હતો કે, ગાયોની યોગ્ય સાર સંભાળ કરવામાં આવે જ છે. રૂપિયા 20 કરોડના ખર્ચે કેટલાં ઢોરવાડા બનાવવામાં આવી રહ્યા છે. ગાયોના મૃત્યુનું કારણ જણાવતા કહ્યું હતું કે, લીલુ ઘાસ આપવામાં આવે છે ત્યારે તેમને આફરો ચડે અને તેમનું મૃત્યુ થાય છે.
વિપક્ષના નેતા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા હતા. છેલ્લા અનેક સમયથી ભ્રષ્ટાચારનો નમુનો હાટકેશ્વર બ્રિજ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી. મ્યુનિસિપલ કમિશનરે સામાન્ય સભામાં કહ્યું હતું કે, જલ્દીથી બ્રિજને તોડી પાડવામાં આવશે, પરંતુ હવે મેયર પાસે જવાબ માગું છું કે, હાટકેશ્વર બ્રિજને કેટલા સમયમાં તોડી પાડવામાં આવશે? તેની તારીખ આપો. જેથી પ્રતિભા જૈન કોઈ જવાબ આપી શક્યા નહોતા, પરંતુ ડેપ્યુટી મેયર જતીન પટેલે કહ્યું હતું કે, તમારે રાજકારણ કરવું છે કે ઉકેલ જોઈએ છે. જેથી આ બાબતે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ ઊભા થઈ અને વચ્ચે કહ્યું હતું કે, બ્રિજ મામલે તમે તારીખ પે તારીખ આપી રહ્યા છો, જેથી ભાજપના કોર્પોરેટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે જે મુદ્દા લઈએ છીએ તેને પુરા કરીએ છીએ.