અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સરકારી જમીન ઉપર દબાણોના મામલે કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પર દબાણ થતા કલેક્ટર કાર્યવાહી કરી શકે છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જમીન માફિયાઓ સામે આ કાયદો લાવવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પાસે જવાબ માગ્યો હતો કે, જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલા ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી થશે કે નહીં. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, જમીન માફિયાઓ માટે એક્ટ લાવવામા આવ્યો છે. જમીન માફિયાઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે. દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પર દબાણ થતાં કલેક્ટર કાર્યવાહી કરી શકે છે. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે કાયદો છે.
પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં કાયદા વ્યવસ્તાની શું સ્થિતિ હતી અને અમારા સમયમાં કેવી છે. એ જનતા જાણે છે. રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદાને મજબૂત બનાવાયો છે. કાયદો-વ્યવસ્થાની સલામતી માટે સરકારે બાહેંધરી આપી આ કાયદાને કડક કર્યો છે. માફિયાઓ અને ગુંડાઓને કંટ્રોલમાં રાખવા માટે આ કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત મિલકતમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવશે.