Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હિંસાનો મુદ્દો યુરોપમાં ગુંજ્યો, નેધરલેન્ડના નેતાએ ચિંતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો મામલો હવે યુરોપ સુધી પહોંચી ગયો છે. નેધરલેન્ડના રાજકારણી ગીર્ટ વાઈલ્ડર્સે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાની નિંદા કરી હતી. તેમણે તેને ભયાનક ગણાવ્યું અને હિંસાનો વહેલો અંત લાવવાની હાકલ પણ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અમુક વર્ગના લોકો માટે આરક્ષણ પ્રણાલી વિરુદ્ધ જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો હતો. હિંસા વચ્ચે ઢાકામાં હિંદુ સમુદાયના બે નેતાઓએ કહ્યું કે હિંદુઓના ઘણા મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. હસીનાના દેશમાંથી ભાગી ગયા બાદ થયેલી હિંસામાં અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા બે હિન્દુ નેતાઓ માર્યા ગયા હતા. બાંગ્લાદેશમાં વર્તમાન રાજકીય ઉથલપાથલ બાદ મંગળવારે વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને આની જાહેરાત કરી હતી. આ હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, મૃત્યુઆંક વધીને 440 થઈ ગયો છે. ગીર્ટ વાઇલ્ડર્સ નેધરલેન્ડના એક નેતા છે જેમણે 2006 માં દૂર-જમણેરી પાર્ટી પાર્ટી ફોર ફ્રીડમની સ્થાપના કરી અને તેનું નેતૃત્વ કર્યું હતું. બાંગ્લાદેશમાં હિંસા અંગે તેમણે કહ્યું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા ભયાનક છે. તેઓની હત્યા કરવામાં આવી રહી છે અને ઈસ્લામિક ટોળાં તેમના ઘરોને સળગાવી રહ્યાં છે. આનો તાત્કાલિક અંત આવવો જોઈએ.”

બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળ્યા બાદ શેખ હસીનાએ સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો. શેખ હસીનાના રાજીનામા બાદ ઘણા વિરોધીઓ વડાપ્રધાનના નિવાસ ગણભવનમાં ઘૂસી ગયા હતા અને ત્યાંથી સામાન લૂંટી લીધો હતો. ઘણા લોકો સંસદભવનમાં પણ ઘૂસી ગયા અને ત્યાંથી વસ્તુઓ લઈ ગયા હતા.

વિરોધીઓએ શેખ હસીનાના ખાનગી નિવાસસ્થાન સુધા સદનને પણ આગ લગાવી દીધી હતી. ચીફ જસ્ટિસના નિવાસસ્થાને પણ તોડફોડ કરી હતી. ઘણા લોકો ચીફ જસ્ટિસના નિવાસસ્થાનની દિવાલ પર ચઢીને અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ભારત આવ્યા હતા. જોકે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તે ભારતમાં રહેશે કે અન્ય કોઈ દેશમાં શરણ લેશે.