Site icon Revoi.in

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો શહેરની બહાર નહીં પણ રેસકોર્સમાં જ યોજાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળા ગામેગામ યોજાય છે. જેમાં રાજકોટનો પાંચ દિવસનો જન્માષ્ટમીનો મહામેળો દેશભરમાં જાણીતો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં પાંચ દિવસ મેળાની મોજ માણતા હોય છે. આ વખતે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લીધે લોકમેળો શહેરની બહાર ન્યુ રેસકોર્સ અથવા તો કણકોટમાં યોજવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી જેના માટે આર એન્ડ બીનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. પરંતુ આર એન્ડ બીએ નેગેટિવ રિપોર્ટ આપતા હવે ગર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સના મેદાનમાં જ લોકમેળો યોજવામાં આવશે.

રાજકોટના અગ્નિકાંડ બાદ શહેરમાં જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાને આ વર્ષે શહેરની બહાર લઇ જવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને તેના માટે કણકોટ તથા ન્યૂ રેસકોર્સ એમ બે સ્થળોની વિચારણા હાથ ધરી આર એન્ડ બીનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો, પરંતુ આર એન્ડ બીનો અભિપ્રાય નેગેટિવ આવતા હવે લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં જ યોજાશે અને તેના માટે આગામી શનિવારે લોકમેળા સમિતિની બેઠક બોલાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં દર વર્ષે રેસકોર્સના મેદાનમાં યોજાતા ભાતીગળ લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન આશરે 12થી 15 લાખ લોકો મહાલવા આવતા હોય ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોય છે. ગત વર્ષે લોકમેળાનો એક દિવસ લંબાવાયા બાદ પોલીસ તંત્રે બંદોબસ્ત વહેલો છૂટો કરી દેતા હજારો લોકો ટ્રાફિકજામમાં કલાકો સુધી ફસાયા હતા. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં આગામી તા.17થી 21 ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળાનું સ્થળ શહેરની બહાર ખસેડવા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને તેના માટે શહેર પ્રાંત અધિકારી દ્વારા કણકોટ અને ન્યૂ રાજકોટ એમ બે સ્થળનું સૂચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આ જગ્યા પર લોકમેળો યોજવા માટેની ફિઝિબિલિટી ચકાસવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આદેશ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કણકોટ અને ન્યૂ રેસકોર્સના મેદાનમાં જમીન રાઇડ્સ માટે યોગ્ય ન હોવાનો અભિપ્રાય અપાતા તંત્ર દ્વારા હવે શહેરના રેસકોર્સના મેદાનમાં જ લોકમેળો યોજવા નિર્ણય કરાયો છે અને તેના અનુસંધાને શનિવારે લોકમેળા સમિતિની બેઠક બોલાવવામાં આવી છે.

રાજકોટ માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના કહેવા મુજબ  કણકોટ અને ન્યૂ રેસકોર્સ ખાતે લોકમેળાના આયોજન માટે સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં જમીન ઊબડખાબડ અને પોચી હોવાથી મોટી યાંત્રિક રાઇડ્સ ચલાવવા માટે આ જમીન પર શક્ય ન હોવાથી લોકમેળો આ સ્થળે યોજી ન શકાય તેવો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સુપરત કરાયો છે. (File photo)