નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને થોડા દિવસ પહેલા તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં ઈમરાનને 3 વર્ષની જેલ અને ચૂંટણી લડવા બદલ 5 વર્ષની સજા થઈ છે. આ સાથે ઈમરાન પર 1 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે અને જો ઈમરાન તે ન ભરે તો તેની જેલની સજામાં 6 મહિનાનો વધારો થઈ શકે છે. ઈમરાનને પણ દોષિત ઠેરવ્યા બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન હાલ અટક જેલમાં કેદ છે. ઈમરાનને નીચલી અદાલતે સજા સંભળાવી હતી અને સજા સંભળાવ્યા બાદ જ આ આદેશ કરનાર જજ પણ ચર્ચામાં આવી ગયા હતા. ઈમરાનને સજા સંભળાવનાર જજનું નામ હુમાયુ દિલાવર છે. તાજેતરમાં હુમાયુ વિશે એક મોટી માહિતી સામે આવી છે. ઈમરાનને સજા સંભળાવ્યા બાદ જજ હુમાયુ પરિવાર સાથે લંડન જતા રહ્યાં હોવાનું જાણવા મળે છે.
ઈમરાન ખાનને તોશાખાના કેસમાં સજા સંભળાવનારા જજ હુમાયુએ પોતે લંડન જવા માટે કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઈમરાનને સજા સંભળાવ્યા બાદ હુમાયુએ ઈમરાન ખાનના સમર્થકોના ગુસ્સાથી બચવા માટે લંડન જવાનું નક્કી કર્યું અને પોતાના પરિવારને પોતાની સાથે લઈ ગયા હોવાનું જાણવા મળે છે. તે જ સમયે, કેટલાક લોકો તેની પાછળ બીજું કારણ પણ જણાવી રહ્યા છે. જજ હુમાયુ લંડનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા છે અને આ અભ્યાસના લાંબો સમય ચાલવાનો હોવાને કારણે પરિવારને પણ લઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં જ હુમાયુ લંડન પહોંચી ગયો છે. પરંતુ તેના લંડન આવવાના સમાચાર પહેલા જ ફેલાઈ ગયા હતા અને ઈમરાનના કેટલાક સમર્થકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. ઈમરાનના સમર્થકોએ લંડન એરપોર્ટ પર હુમાયુનો વિરોધ પણ કર્યો હતો.