કાબુલનો હુમલો આતંકવાદ અને તેને પોષનારાઓ સામે કડક પગલા લેવાનું દર્શાવે છેઃ ભારત
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબિલાનોના શાસન બાદ અરાજકતા ફેલાઈ છે અને વિવિધ દેશના નાગરિકો અને અનેક અફઘાનિઓ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે કાબુલ એરપોર્ટ પાસે થયેલા આતંકવાદી હુમલામાં નોટોના જવાનો સહિત અનેક લોકોના મોત થયાં છે. જેથી અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ હુમલાએ વિશ્વને આતંકવાદ અને આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે એક સાથે રહેવાની જરૂરિયાતને મજબુત કરે છે.
ભારતે કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટોની સખત નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ વિસ્ફોટોએ ફરી એક વખત પ્રકાશ પાડ્યો છે કે વિશ્વને આતંક સામે એકસાથે આવવાની જરૂર છે. આ વિસ્ફોટ દર્શાવે છે કે આપણે આતંકવાદ અને તેને પોષનારાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારત કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટની સખત નિંદા કરે છે. અમે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમજ ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ પાસે બે વિસ્ફાટ થયા હતા. જેમાં વિદેશી જવાનો સહિત લગભગ 70 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે. આ હુમલાના બાદ બ્રિટેનના વડાપ્રધાને તાત્કાલિક બેઠક બોલાવી હતી. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ હુંમલાને ગંભીર ગણાવીને કહ્યું હતું કે, અમે આતંકવાદીઓને માફ કરી નહીં કરીએ અને શોધીને તેમનો ખાતમો બોલાવીશું.