Site icon Revoi.in

ઉત્તરાણને ગણતરીના દિવસ બાકી છતાં પતંગ બજારમાં મંદીનો માહોલ

Social Share

અમદાવાદઃ મકરસંક્રાંતિ યાને ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં હજુ પતંગ-દોરીની ખરીદી જોવા મળતી નથી. જોકે મહાનગરોમાં પતંગ  બજારો શરૂ થઈ ગયા છે.  આ વખતે પતંગ 30  ટકા જેટલી મોંઘી થઈ ગઈ છે. જેની પાછળ રો-મટિરિયલ્સના વધતા ભાવ, અતિવૃષ્ટિને કારણે વાંસના પાકને થયેલું મોટું નુકસાન, કાગળના વધતા ભાવ, મજૂરોની અછત તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પતંગ અને દોરીના ભાવમાં પણ વધારો થયો છે. જોકે મકરસંક્રાંતિના 20 દિવસ પહેલા જ પતંગરસિયાઓ પતંગો ચગાવવાનું શરૂ કરી દેતા હોય છે. પણ આ વર્ષે તેમને પણ મોંઘવારી નડી રહી હોય તેમ હજુ પતંગોની કે દોરીની ખરીદી શરૂ કરી જ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે 100 પતંગનો જથ્થાબંધ ભાવ 100 થી105 રૂપિયા હતો. જે આ વર્ષે વધીને 135 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એ જ રીતે, ગયા વર્ષે ઓછા ભાવની 100 પતંગો હોલસેલમાં 80-90 રૂપિયામાં મળતી હતી, હવે તે આ વર્ષે 120 રૂપિયામાં મળી રહી છે. આ વખતે પતંગ અને માંજામાં વપરાતા દોરાના પ્રોડક્શનમાં પણ મોટો ઘટાડો થયો છે. બજારમાં પહેલાથી યાર્નની અછત છે, માંજા યાર્નના જથ્થાબંધ વેપારીના જણાવ્યા પ્રમાણે યાર્ન માટે એક વર્ષ પહેલા ઓર્ડર આપવો પડે છે. કંપનીઓ માર્ચથી જૂન દરમિયાન યાર્નનું ઉત્પાદન કરે છે, આ વર્ષે માર્ચથી જૂન દરમિયાન કોરોનાના કારણે યુનિટ્સ બંધ થઈ ગયા હતા. છેલ્લા ત્રણ ચાર મહિનાથી ઉત્પાદન શરૂ થઈ ગયું છે. તે સિવાય મજૂરી અને પરિવહન ખર્ચમાં 10 ટકાનો વધારો થવાને કારણે દોરા પણ 25 ટકા મોંઘા થયા છે. ગયા વર્ષે 1 હજાર મીટર દોરાનો જથ્થાબંધ ભાવ જે રૂ. 110-115 હતો, જે હવે આ વર્ષે વધીને રૂ. 140-150 થયો છે. 2000 મીટર દોરાની કિંમત 250-260 રૂપિયા હતો, હવે તે વધીને 300-310 રૂપિયા છે. એ જ રીતે, ગયા વર્ષે 5000 મીટર દોરાની કિંમત 490 રૂપિયા હતી, તે હવે વધીને 570 રૂપિયા થઈ છે.

આમ, હવે આ વખતે ઉતરાયણમાં પતંગ ચગાવવા પતંગરસિયાઓને મોંઘા પડશે. કારણ કે જે રીતે રો- મટિરિયલ્સના ભાવ વધતા પતંગ દોરાના ભાવ વધ્યા છે, તે જોતા હવે પતંગનો શોખ પૂરો કરવું લોકોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે એ નક્કી છે. નોંધનીય છેકે મોંઘવારીનો માર દરેક સામાન્ય જનતાને સતાવી રહ્યો છે. અને દરેક તહેવારમાં મોંઘવારીને કારણે લોકો પરેશાન થઇ જાય છે.