અમદાવાદઃ શહેરના હાટકેશ્વરમાં આવેલા ઓવરબ્રિજને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે અને મનપા તંત્ર દ્વારા હજુ સુધી બ્રિજને લઈને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે. તંત્ર દ્વારા તપાસના નામે નાટક કરીને ઢાંકપીછાડો કરી રહ્યાંના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન મુંબઈની એક લેબોરેટરીમાં બ્રિજ અને તેના પિલ્લરને લઈને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈની એક લેબોરેટરીના અધિકારી-કર્મચારીઓએ અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી ધામા નાખીને હાટકેશ્વર બ્રિજ અને તેના પિલ્લરને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આ ટેસ્ટિંગ કર્યા બાદ બ્રિજ અને પિલ્લરની મજબૂતાઈ અને તેના રિપોર્ટ પરથી સમગ્ર બ્રિજ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. રિપોર્ટના આધારે આ બ્રિજના પિલ્લરની મજબૂતાઈ જાણી શકાશે. બીજી તરફ સવાલ એ થાય કે શું હવે અલગ અલગ રિપોર્ટના બહાને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને બચવવાના પ્રયાસ થઇ રહ્યા છે. શું છેલ્લા આઠ મહિનાથી બંધ હાટકેશ્વર બ્રિજ અંગે કાર્યવાહીને બદલે કોર્પોરેશન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બચાવવા તપાસ લંબાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા વિવિધ ખાનગી લેબોરેટરીઓ પાસે રિપોર્ટ કરાવતા તેમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સાબિત થયું હતું. IIT રુડકી પાસે પણ આ બ્રિજની તપાસ કરાવવામાં આવી છે જેનો રિપોર્ટ હજી સુધી આવ્યો ન હોવાનું તંત્ર કહે છે. બીજી તરફ આ રિપોર્ટના મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે, તેમજ જવાબદારોને બચાવવાના પ્રયાસો થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.