દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ મંદિરના નિર્માણ માટે સંમગ્ર દેશમાં પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. જેથી સમગ્ર દેશમાંથી 1500 કરોડથી વધારેનું દાન મળ્યું હોવાનુ જાણવા મળે છે. જેમાં સૌથી વધારે દાન રાજસ્થાનની જનતાએ કર્યું છે. રાજસ્થાનની જનતાએ મંદિરના ભવ્ય નિર્માણ માટે અત્યાર સુધીમાં 515 કરોડની મદદ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. હાલ અયોધ્યામાં મંદિર નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન દેશમાં પ્રજા પાસેથી મંદિર નિર્માણ માટે મદદની અપીલ કરવામાં આવી હતી. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો સમગ્રદેશમાં લોકોના ઘરે-ઘરે ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 11 કરોડ પરિવાર સુધી પહોંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી રૂ. 100 કરોડથી વધારેનું ફંડ એકત્ર થયું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનાં મહામંત્રી અને વિહિપનાં કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનનારા ભવ્ય મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન રાજસ્થાનથી મળ્યું છે. રાજસ્થાનની જનતાએ રૂ. 515 કરોડનો ફાળો આપ્યો છે. રાજસ્થાનનાં 36 હજાર ગામડાઓ અને શહેરોમાંથી રૂ. 515 કરોડથી વધુનું ફંડ મંદિર માટે સમર્પિત કર્યું છે. મકરસંક્રાંતિથી દેશમાં માગ પૂર્ણિમા સુધીના 42 દિવસનાં અભિયાનમાં એક લાખ 75 હજાર જૂથો દ્વારા લગભગ 9 લાખ ટોળીઓએ ઘરે ઘરે સંપર્ક કરાયો.