અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના ભયને લીધે સરકારની ગાઈડલાઈન સાથે હાલ મહદંશે સાદગીથી લગ્નોત્સવ થઇ રહ્યા છે. જોકે તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે લગ્ન પ્રસંગમાં 100 લોકો બોલાવી શકવાની છૂટ આપી છે. ચાલુ મહિનામાં 15મી જુલાઈના રોજ લગ્ન માટેનું છેલ્લું સારું મુહૂર્ત હોવાનું પંડિતો જણાવે છે. ત્યારબાદ લગ્ન કરવા ઈચ્છુક યુગલોએ ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે. એટલે કે, 15મીએ છેલ્લા મુહૂર્ત બાદ દિવાળી પછી ફરી લગ્નની સિઝન ખીલશે. 16 નવેમ્બરથી લગ્ન માટેના સારા મુહૂર્તની શરૂઆત થશે.
કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ આગામી તા. 11મી જુલાઈએ રવિવારે રવિપુષ્યામૃત યોગનો દિવસ છે અને આ દિવસથી અષાઢ મહિનાનો પ્રારંભ થશે અને તહેવારોની શૃંખલા પણ શરૂ થશે. અષાઢ સુદ પાંચમને ગુરુવારને તારીખ 15 જુલાઈએ લગ્નનું છેલ્લું મુહૂર્ત છે. તારીખ 20 જુલાઈને મંગળવારે દેવપોઢી એકાદશી છે. આ દિવસથી દેવતાઓ પોઢી જાય છે એટલે લગ્નો થઇ શકતા નથી. જ્યારે દેવતાઓ જાગે ત્યારે ફરી લગ્નના મુહૂર્ત શરૂ થાય છે. તારીખ 12 નવેમ્બરને દિવસે દેવઊઠી એકાદશી છે. આ દિવસથી દેવતાઓ જાગે છે અને લગ્નસરાની સિઝન શરૂ થાય છે. કોરોના મહામારીને કારણે અનેક પરિવારો લગ્ન પાછા ઠેલવ્યા છે. હવે દિવાળી બાદ લગ્ન વધુ થવાની સંભાવના છે જેને કારણે વિવિધ ધંધામાં પણ તેજી આવશે. અષાઢ માસથી તહેવારોની શૃંખલા શરૂ થશે. જેમાં
20 જુલાઈએ મોળાકત વ્રતનો પ્રારંભ થશે. 21 જુલાઈએ જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે તા.24મી જુલાઈએ ગુરુપૂર્ણિમા તથા તા.8 ઓગસ્ટે દિવાસો, 9મી ઓગસ્ટથી શ્રાવણમાસનો પ્રારંભ થશે. તેમજ 22મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું પર્વ ઊજવાશે. જ્યારે 30મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર્વ ઊજવાશે.