ગુજરાતમાં એપ્રિલ મહિનાનું છેલ્લુ વીક ‘સ્વાગત સપ્તાહ’ તરીકે ઊજવાશે, ચારસ્તરે કાર્યક્રમો યોજાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા માટે છેલ્લા બે દાયકાથી સ્વાગત ઓનલાઈ કાર્યક્રમ યોજવામાં આવે છે, મુખ્યમંત્રી દ્વારા જ આ કાર્યક્રમનું મોનિટરિંગ કરીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે, અને સ્વાગતના કાર્યક્રમને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. અને છેલ્લા 20 વર્ષમાં નાગરિકોના સાડાપાંચ લાખ જેટવા પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે. એપ્રિલ 2023માં સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એપ્રિલ મહિનાનું અંતિમ સપ્તાહ સ્વાગત સપ્તાહ તરીકે ઊજવાશે. ગ્રામથી તાલુકા અને જિલ્લા સ્તરથી રાજ્ય સ્તરે એમ ચાર સ્તરે કાર્યક્રમો યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ ને પ્રમોટ કરવા તેમજ સામાન્ય જનતા અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવા ટેક્નોલોજીમાં રહેલી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં એટલે કે 24 એપ્રિલ, 2003ના રોજ SWAGAT (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રિવન્સિસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિનાના અંતિમ ગુરુવારે યોજાતા આ કાર્યક્રમને આજે 20 વર્ષ પૂરાં થયા છે. બે દશકમાં પાંચ લાખથી વધુ પ્રશ્નોનું સમાધાન આ કાર્યક્રમ થકી થયું છે. રાજ્યમાં ટેક્નોલોજીની મદદથી સુશાસનનું સ્તર કેમ સુધારી શકાય તેનું આ SWAGAT કાર્યક્રમ એક ઉત્તમ ઉદાહરણ છે,
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એપ્રિલ 2023માં સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એપ્રિલ મહિનાનું અંતિમ સપ્તાહ સ્વાગત સપ્તાહ તરીકે ઊજવાશે. ગ્રામથી તાલુકા અને જિલ્લા સ્તરથી રાજ્ય સ્તરે એમ ચાર સ્તરે હવે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. થોડા સમય પૂર્વે જ 400 જેટલા નવનિયુક્ત તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને પણ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સ્વાગતની કાર્યપદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી હતી. બે દિવસની આ તાલીમમાં અધિકારીઓને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ‘સ્વાગત’ના સુચારુ સંચાલન અને સંકલન તેમજ પ્રજાના પ્રશ્નોના ગુણાત્મક નિરાકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 181 તાલુકા મામલતદાર અને 214 તાલુકા વિકાસ અધિકારીને કાર્યક્રમ અને તેમાં તેઓની સક્રિય ભૂમિકા વિષે તાલીમ આપવામાં આવી હતી. (File photo)