મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. આ મહામારીમાં માસ્ક અને સામાજીક અંતર રાખવુ ફરજીયાત બન્યું છે. ભારતમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા વીવીઆઈપી સામે કાર્યવાહી કરવાનું તંત્ર ટાળે છે. જ્યારે દુનિયાના અનેક દેશો એવા છે કે જ્યાં કાયદો તમામ માટે સમાન છે. થાઇલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન-ઓ-ચા પર માસ્ક ન પહેરવા બદલ 6,000 બાત એટલે કે રૂ. 14,270 રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
થાઇલેન્ડની સરકાર દેશમાં કોરોના વાયરસની નવી લહેર સામે લડવા માટે સંઘર્ષ કરી રહી છે. થાઇલેન્ડમાં થાઇલેન્ડના નાગરિકો સિવાય 1 મેથી ભારતના મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરમિયાન બેંગકોક પોસ્ટના અહેવાલ અનુસાર વેક્સિન પ્રાપ્તિ સલાહકારો સાથેની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ માસ્ક ન પહેર્યું હોવાથી જનરલ પ્રયુતને દંડ કરવામાં આવ્યો હતો. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારથી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બેંગકોકના રાજ્યપાલ અસ્વિન ક્વાનમુઆંગે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે તેમણે વડા પ્રધાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પેજ પર તે માસ્ક વિના બેઠકમાં જોવા મળ્યા હતા. જ્યારે બાકીના બધાએ માસ્ક પહેર્યો હતો. આ કારણે લોકોએ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો ભારે વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નોર્વેની પોલીસે COVID-19 ના નિયમો તોડવા બદલ વડાપ્રધાન એર્ના સોલ્બર્ગ પર દંડ ફટકાર્યો હતો. પોલીસે પીએમ પર 20,000 નોર્વેજીયન ક્રાઉન એટલે કે રૂ. 1.75 લાખનો દંડ ફટકાર્યો હતો.