- કોરોનાને પગલે લેવાયો નિર્ણય
- કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
- ફાગણી અમાસે યોજાય છે મેળો
અમદાવાદઃ સાબરકાંઠાના ગુણબાખરી ગામમાં ફાગણી અમાસે યોજાતો ચિત્ર-વિચિત્ર મેળો સતત બીજા વર્ષે પણ કોરોના મહામારીને કારણે યોજાશે નહીં. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતાને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુણભાખરી નજીક સરસ્વતી નદીના સંગમસ્થાને દર વર્ષે ચિત્ર-વિચિત્ર મેળો યોજાય છે. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. અનોખા આ મેળાને જોવા વિદેશી પર્યટકો પણ આવતા હોય છે. આ વખતે 11 એપ્રિલે ફાગણી અમાસે યોજાવાનો હતો. પરંતુ હવે આ મેળો નહીં યોજાય. કોરોના મહામારીને પગલે મેળો રદ રાખવામાં આવ્યો છે.
આ મેળા માં લગ્નવાંછુ યુવકો અને યુવતીઓ પોતાનું પરંપરાગત ભીલી નૃત્ય કરે છે. ચોકમાં વચ્ચો-વચ વાંસ ની ઉપર નાળીયેર અને ગોળની પોટલી બાંધવામાં આવે છે જેની આજુબાજુ કન્યાઓ નૃત્ય કરે છે અને આદિવાસી યુવાનો આ નાળીયેર અને ગોળ પાડવાનો પ્રયત્ન કરે છે. જોકે આ સમયે આદિવાસી કન્યાઓ નૃત્ય દ્વારા અંતરાયો ઉભા કરી યુવાનો ને વાંસ સુધી પહોંચતા અટકાવે છે.