1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાંચાળ પંથકના સુપ્રસિદ્ધ તરણેતરનો ચાર દિવસીય ભાતીગળ મેળાનો મંગળવારથી પ્રારંભ
પાંચાળ પંથકના સુપ્રસિદ્ધ તરણેતરનો ચાર દિવસીય ભાતીગળ મેળાનો મંગળવારથી પ્રારંભ

પાંચાળ પંથકના સુપ્રસિદ્ધ તરણેતરનો ચાર દિવસીય ભાતીગળ મેળાનો મંગળવારથી પ્રારંભ

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડનો પાંચાળ પંથકનો સુપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ આગામી મંગળવારથી થશે. ચાર દિવસના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. મેળા માટેની વહિવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં તરણેતરનો ભાતીગળ મેળો વિશ્વ વિખ્યાત છે. ત્યારે 30 ઓગસ્ટથી શરુ થનારા આ મેળાને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને લાખોની સંખ્યામાં દેશ વિદેશમાંથી લોકો ભાતીગળ મેળોને માણવા ઉમટી પડશે અને સમગ્ર માહોલ હાલોને માનવીયું તરણેતરના મેળે રે…..ના નાદ સાથે ગુંજી ઉઠશે. તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ અને છઠ એમ ચાર દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ન જઈને તરણેતરને ગંગા અને હરીદ્વાર માનીને તરણેતરમાં આવેલા ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાંનુ પુણ્ય માને છે. આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200-200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ તેની મજા અલગ જ હોય છે.

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષોથી કોરોના લોકડાઉનને લઈને આ મેળો યોજાયો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો હાઉ ઓછો થતા ફરીથી વિશ્વ વિખ્યાત મેળો યોજાવા જઈ રહ્યો છે. અને અધિકારીઓએ મેળાના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તરણેતરનો મેળાનું આયોજન શરુ કરી દેવામાં આવ્યું છે. તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તરણેતર ખાતે સ્થાનિક અધિકારી અને સ્થાનિકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓએ તરણેતર મેળાના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી

સૂત્રોના જણાવ્યા મુજબ ઝાલાવાડના થાનગઢના તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે, અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદિર મંધાતા એ બંધાવ્યું હતુ. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલી છે, જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલો છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.

થાનગઢ તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શકયતા છે. મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે, પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો.

આ તરણેતર મંદિરનો ઘાટ જૂનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે. મંદિરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે.

આ મંદિરની કોતરણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે, જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદિરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલો હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code