રાજધાની દિલ્હીમાં યમુના નદીના સ્તરે ઐતિહાસિક સપાટી વટાવી – અનેક સ્થળો જળબંબાકાર બન્યા
દિલ્હી- છેલ્લા શનિવારના રોજથી સતત વરસી રહેલા વરસાદે રાજધાની દિલ્હીની હાલત ખરાબ કરી છે,યમુનાનદીનું સ્તર ઐતિહાસિક સપાટી વટાવી ગયું છે જેના કારણે તેના જળ દિલ્હીના અનેક સ્થળોમાં આવી પહોંચ્યા છે દિલ્હીના કેટલાક માર્ગો પર બોટ ચલાવવાનો વારો આવ્યો છે.
આજરોજ ગુરુવારે સવારે છ વાગ્યે યમુનાનું જળસ્તર 208.46 મીટરે પહોંચ્યું હતું.યમુનાનું આ જળસ્તર આજ સુધીનો રેકોર્ડ છે. આ પહેલા બુધવારે રાત્રે 10 વાગ્યે યમુનાનું જળસ્તર 208.05 મીટરે પહોંચી ગયું હતું.
હવામાન વિભાગ દ્વારા પર્વતીય રાજ્યોને લઈને જારી કરવામાં આવેલી ચેતવણી છે. હવામાન વિભાગે કહ્યું કે પર્વતીય રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે. જો આમ થશે તો પહાડી નદીઓ તેમજ દિલ્હી અને આસપાસના મેદાનોમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં વધારાનો સમયગાળો ચાલુ રહી શકે છે.
યમુનાના જળસ્તરમાં સતત વધારાની અસર દિલ્હીમાં યમુના નદી નજીકના વિસ્તારોમાં દેખાઈ રહી છે. સ્થિતિ એવી છે કે યમુના નજીકની વસાહતોમાં અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં, યમુના બજારની દિવાલમાંથી પણ પાણી નીકળવા લાગ્યું છે. દિલ્હીમાં પૂરના ભય વચ્ચે પ્રશાસન પણ એલર્ટ છે.
યમુનાના જળસ્તરમાં સતત વધારો થવાનું કારણ ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલો વરસાદ છે. જેના કારણે દિલ્હીની આસપાસના તમામ ડેમમાં ક્ષમતા કરતા વધુ પાણી છે.જેથી આ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં યમુનાના જળસ્તર ફેલાયેલું જોવા મળે છે.
દિલ્હીની સ્થિતિને જોતા તંત્ર પણ ચિંતામાં છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ યમુનાના જળસ્તરને જોતા દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક આજરોજ ગુરુવારે બપોરે 12 વાગ્યે યોજાશે.
tags:
delhi