દુનિયામાં સૌથી ઓછી કિંમતમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થાય છે ભારતીય સ્માર્ટફોન વપરાશકારોને
દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો પણ વપરાશ વધ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ ડેટા દુનિયાનમાં સૌથી સસ્તો છે. જેથી અમેરિકા અને ચીન કરતા વધારે લોકો ભારતમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ભારતમાં એક જીબી ડેટા એક કિલો લોટ કરતા પણ ઓછી કિંમતે વપરાશકારોને મલે છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓ માત્ર 11 રૂપિયામાં જ વપરાશકારોને એક જીબી ડેટા પુરા પાડતી હોવાનું જાણવા મળે છે. વર્ષ 2014માં પ્રતિ એક જીબી ડેટા માટે રૂ. 269 ખર્ચ થતો હતો. જો કે, છ વર્ષના સમયગાળામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. જેથી કિંમતમાં પણ ધરખમ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં ભારતમાં 5જી નેટવર્કની સેવાઓ મોબાઈલ વપરાશકારોને ઉપલબ્ધ થવાની શકયતા છે. જેથી ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં તાજેતરમાં જ કેટલીક મોબાઈલ કંપનીઓએ 5જી નેટવર્ક અંગે ટેસ્ટીંગ કર્યાના સમાચાર વચ્ચે ભારતમાં સૌથી વધારે લોકો સ્માર્ટફોનના વપરાશમાં સમયનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. મોબાઈલ ડેટા એનાલિટિક્સ પ્લેટફોર્મ એપના રિપોર્ટ અનુસાર સૌથી સસ્તા મોબાઈલ ઈન્ટરનેટ ડેટા અને કોલિંગના કારણે વધુમાં વધુ ભારતીયો મોબાઈલ ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે જોડાઈ રહ્યા છે અને મોબાઈલ પર આડેધડ તેમનો સમય પસાર કરી રહ્યા છે. આ બાબતમાં ભારતે અમેરિકા અને ચીન જેવા દેશોને પણ પાછળ પાડી દીધા છે. 2021ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતમાં પ્રત્યેક વ્યક્તિ સરેરાશ એક દિવસમાં 4.6 કલાક તેના સ્માર્ટફોન પર પસાર કર્યો હતો. વર્ષ 2019 સુધીમાં એક દિવસમાં એક ભારતીય સરેરાશ 3.3 કલાક જેટલો સમય મોબાઈલ પર બગાડતો હતો. જેમાં છેલ્લા એક વર્ષમાં 44 ટકાનો વધારો નોંધાયો છે. ભારતીયો સૌથી વધુ યુટયુબ, વોટ્સએપ, મેસેન્જર અને ફેસબૂક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ભારતીયોએ વર્ષ 2020માં 65100 કરોડ કલાક મોબાઈલ એપ્સ અને ઓનલાઈન ગેમિંગ પર બગાડયા હતા.
ભારતમાં સ્માર્ટફોનની કિંમતો ઘટવાથી સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. તેમજ દરરોજ સરેરાશ મોબાઈલ વપરાશના કલાકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
(Photo-File)