ગોધરાકાંડનો મુખ્ય આરોપી 19 વર્ષ બાદ ઝડપાયો, કોચને સળગાવવા પેટ્રોલની કરી હતી વ્યવસ્થા
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા ગોધરા હત્યાકાંડમાં 19 વર્ષથી ફરાર મુખ્ય આરોપી રફીક હુસૈન ભટુકને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવવા માટે રફીકે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા રેલવે સ્ટેશન નજીક વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસ ઉપર ધર્મ ઝૂનૂની ટોળાએ હુમલો કરીને કોચ એસ-6ને આગ ચાંપી હતી. આ બનાવમાં 57 જેટલા રામ ભક્તોના અવસાન થયા હતા. આ રામ ભક્તો અયોધ્યાથી દર્શન કરીને પરત અમદાવાદ આવી રહ્યાં હતા. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતા. આ બનાવમાં 19 વર્ષથી ફરાર મુખ્ય સુત્રધાર રફીક ભટુલને પોલીસે ઝડપી લીધો છે.
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું હતું કે, 51 વર્ષીય ભાટુક એ દિવસે થયેલા હિચકારા કૃત્યમાં મુખ્ય આરોપી છે. આ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતો. ભટુક છેલ્લા લગભગ 19 વર્ષથી ફરાર હતો. પોલીસે રેલ્વે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયામાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો અને ભટુકની ધરપકડ કરી હતી. આરોપીએ ભીડની ઉશ્કેરણી કરી હતી. તેમજ ટ્રેનના કોચને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. પોલીસ તપાસમાં જે તે વખતે સંડોવણી બહાર આવતા આરોપી દિલ્હી ભાગી ગયો હતો. ત્યાર બાદ દેશના વિવિધ રાજ્યોમાં છુપાતો ફરતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા હત્યાકાંડની તપાસ માટે પંચની રચના કરવામાં આવી હતી. પંચ દ્વારા અનેક સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. ત્યાર બાદ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. ગોધરા પંચની તપાસમાં ગોધરા હત્યાકાંડ એક કાવતરુ હોવાનું સામે આવ્યું હતું.