Site icon Revoi.in

મણિપુર કૅસ: વંશીય અસંતુલનથી દેશને તોડવાની તરકીબ

Social Share

( સ્પર્શ હાર્દિક)

આદિકાળથી માણસ ટોળામાં રહેતો આવ્યો છે અને જીવસૃષ્ટિમાં જોવા મળતું, સમુદાય બનાવીને વસવાટ કરવાનું, ખોરાક ભેગો કરવાનું અને અજાણી આપત્તિઓ સામે લડવાનું વલણ આજે પણ મોડર્ન એજના મનેખોએ જાળવી રાખ્યું છે. કેટલીયે સદીઓથી બળ અને બુદ્ધિ દ્વારા વિધવિધ વંશ, સમુદાય કે જાતિ અને ધર્મો પોતાનાં ક્ષેત્ર તથા પ્રભાવ વધારવાના પ્રયાસમાં રહ્યા છે, જેના કારણે મનુષ્યજાતિનો લાંબો ઇતિહાસ હિંસા અને સંઘર્ષો તથા સતત બદલાતી રહેતી સરહદોથી ભરપૂર રહ્યો છે. પરંતુ આજે મોટે ભાગે સરહદો સ્થિર થઈ ગઈ છે એવું કહેવામાં અતિશયોક્તિ નહીં. અપવાદોને બાદ કરતાં, પાછલા થોડા દાયકાઓથી વિશ્વના મહત્તમ ભાગમાં સરહદો લાંબા સમયથી ખાસ કશા ફેરફાર વગર એમની એમ જ રહી છે. યુદ્ધો થઈ રહ્યા છે, પણ એવા યુદ્ધો બહુ ઓછા છે જે કોઈ દેશની સરહસને સાવ બદલી જ નાખે.

આવી સ્થિતિમાં, વંશ, સમુદાય કે જાતિ અને ધર્મો દ્વારા પોતાનો પ્રભાવ વધારવા યુદ્ધ કરીને જમીન અને સંસાધનો પર કબજો જમાવવાની વાત ખાસ વ્યાવહારિક લાગતી પણ નથી. તો સવાલ એ કે કપટ અને મલિન ઇરાદાઓથી આવું કાર્ય પાર પાડવાનો ઉપાય શું બચે? જવાબ છે વંશિય અસંતુલન પેદા કરવું. જીઑપૉલિટિક્સની ચર્ચામાં એક અંગ્રેજી શબ્દ અવારનવાર વપરાતો આવ્યો છે ડેમોગ્રાફિક એન્જિનિઅરિંગ. એનો સરળ અર્થ થાય છે – જનસંખ્યાનું ઇજનેરીશાસ્ત્ર. આનું એક મોટું ઉદાહરણ ગણાય છે ઇઝરાયેલ. સદીઓથી યહૂદી પ્રજા જેને ઝંખતી હતી એવું એમનું અલાયદું રાષ્ટ્ર બીજા વિશ્વયુદ્ધ પછી ત્યારે સાકાર થઈ શક્યું જ્યારે નાઝી સત્તાના દમનથી બચીને ભાગી રહેલાં ઘણાં બધાં યહૂદીજનોએ બ્રિટિશ એમ્પાયરની મદદથી ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં વસવાટ શરૂ કરી દીધો હતો.

હાલ આપણા મણિપુરમાં જે હિંસા સળગી રહી છે એની પાછળનું એક મોટું કારણ ડેમોગ્રાફિક એન્જિનિઅરિંગ દ્વારા કાળક્રમે પેદા થયેલું વંશિય અસંતુલ ગણી શકાય એમ છે. સમાચારો દ્વારા આપણને મણિપુરની સમસ્યાનો જે થોડો ઘણો અંદાજો મળે છે એ પ્રમાણે આ વિવાદ જમીન અને સમુદાય તરીકે સુરક્ષા મળે એની ખાતરીનો છે. સંઘર્ષના એક પક્ષે છે મૈતેઈ નામક જાતિ અને બીજી તરફ છે કુકી તરીકે ઓળખાતી જાતિ કે જાતિનો સમુહ. જનસંખ્યાના છેલ્લા આંકડાઓ પ્રમાણે મૈતેઈ જાતિનાં લોકો મણિપુરમાં બહુમતી ધરાવે છે અને કુકી જાતિનાં લોકો લઘુમતીમાં છે. પરંતુ શું ખરેખર એવું છે

મણિપુર ભારતના ઈશાનમાં આવેલા આ સેવન સિસ્ટર્સ નામે જાણીતાં રાજ્યોમાંનું એક છે. અને દેખરેખની દૃષ્ટિએ મુશ્કેલ એવી એ તરફના પડોશી દેશો સાથે જોડાયેલી આપણી સરહદો પાર કરીને આ સેવન સિસ્ટર્સ રાજ્યોમાં પ્રવેશીને ગેરકાયદેસર ઢંગે લાંબા સમયથી વસવાટ કરી રહેલાં ઘૂસણખોરોની સમસ્યા વિશે ભાગ્યે જ કોઈ જાગૃત ભારતીય અજાણ હશે. પશ્ચિમ બંગાળમાં તો બાંગ્લાદેશથી આવીને અનઅધિકૃત રીતે વસી ગયેલા લોકોએ ત્યાંનું રાજકારણ પલટી શકવા જેટલી તાકત ઊભી કરી લીધી છે. મણિપુરમાં પણ ત્યાંની મૂળ કુકી સમુદાયની પ્રજામાં પડોશી મ્યાનમારથી આવેલા કુકી સાથે ચિન અને અન્ય અજાણી જાતિના લોકો પણ ભળી જવાથી તેઓ સંયુક્ત રીતે બહુમતી સમુદાય બનવા તરફ આગળ વધી રહ્યા છે. આનું ગંભીર પરિણામ એ આવ્યું છે કે મૈતેઈ જાતિના લોકોમાં લઘુમતીમાં ચાલ્યા જવાનો ડર પ્રસર્યો છે. ઉપરાંત સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે હાવી થઈ રહેલા ધૂસણખોરની હિંસા અને ત્રાસના એમને ભોગ પણ બનવું પડ્યું છે. આટલું ઓછું હોય એમ, મણિપુરના પહાડી વિસ્તાર ધરાવતા સેનાપતિ, ઉખરુળ, ચુરાચંદપુર, ચંદેલ અને તામેન્ગલોન્ગ જિલ્લાઓમાંથી અલગ વહીવટી એકમની પણ કુકી પ્રજા હવે માંગણી કરી રહી છે. 

મણિપુરમાં મૈતેઈ જાતિનો મહત્તમ ફેલાવો ફક્ત શહેરી એવા ખીણ વિસ્તાર પૂરતો જ મર્યાદિત છે અને આખા રાજ્યનો એ માંડ દસ ટકા કે એથી પણ ઓછો ભૂભાગ થાય છે. જ્યારે બાકીનો નેવું ટકા ભૂભાગ, જેમાં પહાડી અને જંગલી વિસ્તાર છે, ત્યાં કુકી અને નાગા જેવી વન્યજાતિઓનો અધિકાર છે. મૈતેઈ લોકો આ નેવું ટકા સંરક્ષિત ભાગમાં જમીન ખરીદી વસવાટ ન કરી શકે, પરંતુ કુકી અને નાગા જેવી વન્યજાતિના લોકો માટે એવો કોઈ નિયમ નથી. તેઓ આખા મણિપુરમાં ક્યાંય પણ વસવાટ કરવા સ્વતંત્ર છે. આવી નીતિનું પરિણામ એ આવે છે કે મૂળ ભારતની કુકી પ્રજામાં આવીને મોટી સંખ્યામાં ભળી ગયેલા કુકી અને ચિન જેવા સમુદાયના ઘૂસણખોરો (જેના માટે સંયુક્ત રીતે ક્યારેક ઝો જાતિ શબ્દ પણ વાપરવામાં આવે છે) મણિપુર પર આધિપત્ય જમાવવા અશાંતિ પ્રેરે છે અને ભારતના સાર્વભૌમત્વ પર ગંભીર ખતરો ઊભો કરે છે. ઘણાં બધાં તજજ્ઞોએ મણિપુરમાં અત્યારે જે થઈ રહ્યું છે તેને કાશ્મીરમાં થયેલી પંડિતોની વંશીય હત્યા સાથે સરખાવીને ચિંતા વ્યક્ત કરી છે. મૈતેઈ જાતિના લોકોને કાશ્મીરી પંડિતો જેમ મારવાનો બદઇરાદો ધરાવતા કુકી, ચિન કે ઝો નામધારી ઘૂસણખોરો પાસે સારી માત્રામાં હથિયારો પણ છે, પરંતુ કાશ્મીરી પંડિતો જેમ મૈતેઈ જાતિનાં લોકો હથિયાર વગરના ન હોવાથી બંને વચ્ચેનો સંઘર્ષ ગૃહયુદ્ધ જેવી સ્થિતિમાં પલટાઈ ગયો હોવાનું ચિત્ર સર્જાઈ રહ્યું છે.

ભારતના આજના ઘણા સળગતા સવાલો જેમ આના પણ મૂળ બ્રિટિશ શાસનની કપટ ભરેલી નીતિમાં મળી આવે છે. ૧૮૯૧માં બ્રિટિશ એમ્પાયર અને મણિપુર રાજ્ય વચ્ચેના યુદ્ધમાં બ્રિટિશ સત્તા જીતી ગઈ હતી અને તેમણે પોતાના સામે લડનાર મૈતેઈ લોકોને સજાના ભાગરૂપે તેઓ ફક્ત ઇલ્ફામ આસપાસના ખીણ વિસ્તારમાં જ વસવાટ કરી શકે એવો કાયદો ઘડ્યો. એટલું ઓછું હોય એમ અંગ્રેજોએ મ્યાનમાર સાઇડથી એવી કુકી, ચિન કે ઝો નામધારી જાતિઓને મણિપુરમાં લાવીને વસાવવાનું શરૂ કરી દીધું. આ આયાતી લોકોએ મણિપુરના દક્ષિણમાં નાગા જાતિના વનવાસીઓને મારીને એમનો ભાગ પચાવી પાડવાનું શરૂ કર્યું. આ બધા પછી ધીમે ધીમે મિશનરીઓએ તેઓને ક્રિશ્ચિયાનિટીમાં પણ કન્વર્ટ કરવાનું કામ આરંભ્યું.

ડેમોગ્રાફિક એન્જિનિઅરિંગથી કોઈ પ્રાંતમાં વંશીય અસંતુલન પેદા કરીને ત્યાંની પ્રજાનો જુસ્સો તોડવાની કપટ ભરી ચાલ અંગ્રેજોએ એટલી સારી રીતે રમી કે આઝાદીના આટલાં વર્ષો પછી પણ એ સમસ્યા ઉકેલી શકાઈ નથી. વંશીય અસંતુલન પેદા કરીને ભારતને તોડીને એના પર સરળતાથી સત્તા સ્થાપિત કરવા માટે અંગ્રેજોએ જે કરેલું, એ એમના ગયા પછી પણ હજુ સુધી માઠી અસરો જન્માવી રહ્યું છે. મણિપુરની હિંસામાં સામેલ ઘૂસણખોરોની ઓળખ કરવી મુશ્કેલ કામ સાબિત થશે એમાં કોઈ શંકા નથી, પરંતુ દેશની સુરક્ષા માટે એ અત્યંત જરૂરી છે એ દેખીતી વાત છે. નાગરિકોની નોંધણીની પ્રક્રિયાની આવશ્યકતા પર પણ ગંભીરતાથી વિચારવા પ્રેર એવી આ ઘટના છે. મણિપુરનો વિવાદ હજુ પણ શાંત નહીં થાય તો સેવન સિસ્ટરમાંનાં અન્ય રાજ્યોમાં પણ માંડ માંડ સ્થાપિત થઈ રહેલી શાંતિ ડહોળાવાની શરૂ થશે એવી ભીતિ છે. સેવન સિસ્ટર રાજ્યોમાં વસતા અધિકૃત રીતે ભારતના દરેક નાગરિકને, ચાહે એ કોઈ પણ જાતિનો હોય, હિંસા અને અજંપામાંથી જલદી મુક્તિ મળે અને લોકશાહી ફરી એ ધરા પર મુક્ત રીતે શ્વાસ લે એવી આશા રાખીએ.

hardik.sparsh@gmail.com