રાજકોટઃ રાજ્યમાં આ વખતે સાનુકૂળ વાતાવરણ અને વરસાદને લીધે મગફળીનું ઉત્પાદન 33.44 લાખ ટન થવાનો અંદાજ છે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડસમાં મગફળીની ખરીદી શરૂ થઈ છે. રાજકોટ લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે દશેરાના શુભ મુહુર્તએ મગફળીમાં 80 હજાર ગુણી અને કપાસમાં40 હજાર મણની આવક થઇ હતી. ખેડૂતો ખરીફ પાક સાથે ઉમટ્યા હતા.મબલખ આવક થતા હવે નિકાલ ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે આજે મગફળીમાં પ્રતિ 20 કિલોનો ભાવ રૂપિયા 900 થી 1100 અને ટોપ ક્વોલિટીમાં 1150 ધી રહ્યો હતો. જ્યારે કપાસમાં ભાવ રૂ. 1250 થી 1670 સુધી રહ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે દશેરાના શુભ મુહૂર્તમાં ગણતરીના કલાકોમાં કરોડો રૂપિયાના સોદા થયા હતા મગફળીમાં ઓઇલ મિલર્સ દ્વારા અને કપાસમાં જિનર્સ તેમજ સ્પિનર્સ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન માર્કેટ યાર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, હવે જ્યાં સુધી મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી આવક બંધ રાખવામાં આવશે. મગફળી સિવાયની અન્ય તમામ જણસીઓમાં આવકો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. રાજ્યમાં તમામ માર્કેટ યાર્ડમાં આજે દશેરાના દિવસે મગફલી અને કપાસની સારી એવી આવક થઈ હતી.