તિરુવનંતપુરમઃ હિન્દી ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં કથિત ધર્મપરિવર્તન મામલે વિવાદ વકર્યો છે, આ મામલે ભાજપા સહિતના રાજકીય પક્ષો કેરળ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન કેરળ સરકાર પોતાના બચાવમાં સામે આવી છે, તેમજ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મનું ટ્રેલર પ્રથમ નજરે એવું લાગે છે કે તે કોમી ધ્રુવીકરણ અને રાજ્ય વિરુદ્ધ નફરત ફેલાવવાના કથિત ઉદ્દેશ્ય સાથે જાણીજોઈને બનાવવામાં આવ્યું છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ફિલ્મ દ્વારા લવ જેહાદનો મુદ્દો ઉઠાવીને રાજ્યને ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે રજૂ કરવાના સંઘ પરિવારના એજન્ડાનો પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લવ જેહાદ જેવા વિષયને કોર્ટ, તપાસ એજન્સીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ ફગાવી દીધો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, લવ જેહાદના મુદ્દાને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ફગાવી દેવામાં આવ્યો હોવા છતાં કેરળને વિશ્વની સામે અપમાનિત કરવા માટે આ મુદ્દાને ફિલ્મ દ્વારા મુખ્ય રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે. એક નિવેદનમાં વિજયને સંઘ પરિવાર પર સાંપ્રદાયિકતાના ઝેરી બીજ વાવીને રાજ્યમાં ધાર્મિક સૌહાર્દને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
દરમિયાન, મુખ્યમંત્રીએ 32,000 મહિલાઓના ધર્મ પરિવર્તનના આરોપોને ફગાવ્યા હતા. તેણે કહ્યું કે ફિલ્મના ટ્રેલરમાં નકલી વાતો બતાવવામાં આવી છે. શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPIM) અને વિપક્ષ કોંગ્રેસે વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રહાર કરતા કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર એ સમાજમાં ઝેર ફૂંકવાનું લાયસન્સ નથી અને ફિલ્મ રાજ્યની સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરી રહી છે.
કેરળ સ્ટોરીનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેરળની લગભગ 32,000 મહિલાઓને કથિત રીતે ધર્માંતરિત કરવામાં આવી હતી, કટ્ટરપંથી બનાવવામાં આવી હતી અને ભારત અને વિશ્વભરમાં આતંકવાદી મિશનમાં તૈનાત કરવામાં આવી હતી.