અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, રખડતા ઢોર મામલે અગાઉ હાઈકોર્ટે મનપા તંત્રને ટકોર કરી હતી. બીજી તરફ મનપાએ રખડતા ઢોરને પાંજરે પુરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પશુઓને રાખવા માટે આગામી દિવસોમાં શહેરમાં વધુ બે ઢોરવાડા બનાવવામાં આવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટની આકરી ટકોર બાદ મનપા દ્વારા રખડતા ઢોર પકડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. રસ્તાની વચ્ચે પશુઓ અડીંગો જમાવતા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ રખડતા ઢોરને પકડીને મનપા દ્વારા તેમને ઢોરવાડામાં મોકલવામાં આવે છે. હાલ શહેરમાં બે ઢોરવાડ કાર્યરત છે. જ્યારે મનપા દ્વારા વધુ બે ઢોરવાડા બનાવવાનું પ્લાનીંગ કરાયું હતું. જેનું હાલ કામ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, શહેરમાં હાલ બે ઢોરવાડા છે તેમજ શહેરમાં બીજા બે ઢોરવાડા બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રસ્તા ઉપર અડીંગો જમાવતા પશુઓને કારણે અવાર-નવાર અકસ્માતના બનાવો બને છે. બીજી તરફ આખલાઓની લડાઈને કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાં છે. રવિવારે જ અમદાવાદમાં રસ્તા ઉપર રડતા ઢોરે એક રાહદારી મહિલાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી હતી. અગાઉ પણ રસ્તા ઉપર રખડતા ઢોરોએ રાહદારીઓને શિંગડા માર્યાની ઘટના બની હતી. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં સ્થાનિક તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવા માટે અભિયાન શરૂ કરી છે.