Site icon Revoi.in

યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયરનું રશિયન સૈન્યએ અપહરણ કર્યાનો દાવો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઈવાન ફેડોરોવને કથિત રીતે રશિયન સેનાએ અપહરણ કર્યાનું જાણવા મળે છે. મેયર દ્વારા રશિયન સેનાને સમર્થન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની નિંદા કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું હતું કે, મેલિટોપોલના મેયરનું અપહરણ લોકતંત્રની વિરુધ્ધનો યુદ્ધ અપરાધ છે. હું આપને વિશ્વાસ અપાવુ છું કે તમામ લોકતાંત્રિક દેશોમાં 100 ટકા લોકો આ અંગે જાણશે અને વિરોધ કરશે.

યુક્રેન ઉપર રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ યથાવત રહ્યું હતું. બંને દેશ એક-બીજાની સામે નમતુ જોખવા નથી માંગતા, અનેક દેશો દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતા રશિયન સૈના યુક્રેનના શહેરોમાં સતત બોમ્બ વરસાવી રહ્યું છે. અમેરિકન વહીવટી તંત્રએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઈન્ટરનેશનલ કોર્ટમાં પણ રશિયાને ઘેરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુક્રેન અને રશિયા વચ્ચે થરૂ થયેલા યુદ્ધને પગલે દુનિયાના દેશો બેભાગમાં વહેંચાઈ રહ્યાં છે. બ્રિટેન અને અમેરિકા સહિતના દેશોએ રશિયાની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જ્યારે પાકિસ્તાન અને ચીને રશિયાને સમર્થન જાહેર કર્યું છે. જો કે, ભારત તટસ્થ રહ્યું છે અને બંને દેશને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા સતત અપીલ કરી રહ્યું છે. ભારત હિંસાના માર્ગનો વિરોધ કરીને વાતચીતથી સમાધાન શોધવા સતત અપીલ કરી રહ્યું છે.