નવી દિલ્હી: ભારતમાં રેલવે સાથે પશુઓ અથડાવવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાની ઘટના બની છે. દરમિયાન આવી ઘટનાને અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા મે 2023 સુધીમાં ટ્રેક પાસે ફેન્સીંગ કરવામાં આવશે. જેથી રખડતા પશુઓને મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર આવતા અટકાવી શકાય.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ 620 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને બેરિકેડ કરવામાં આવશે. જેના માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જેના પર રૂ. 264 કરોડનો ખર્ચ થશે.
ત્રીજી વંદે ભારત એક્સપ્રેસને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 30 સપ્ટેમ્બરે ગુજરાતના ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની વચ્ચે લીલી ઝંડી બતાવી હતી. વંદેભારત ટ્રેન સાથે અત્યાર સુધીમાં ચાર વખત પ્રાણીઓ અથડાવવાની ઘટના બની છે. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. ફેન્સીંગ લગભગ 1.5 મીટરની ઉંચાઈ સુધી કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવે બદલાયેલી ટ્રાવેલ પેટર્ન મુજબ સેવાઓ વધારવાનું વિચારી રહી છે.
ઉપનગરીય મુસાફરીની પેટર્નમાં ફેરફાર વિશે પૂછવામાં આવતા, મિશ્રાએ જણાવ્યું હતું કે ઘણા મુસાફરો ખાનગી વાહનો તરફ સ્વિચ કરે તેવી કોઈ મજબૂત સંભાવના નથી. તેમણે કહ્યું કે પશ્ચિમ રેલ્વેના ઉપનગરીય નેટવર્કમાંથી મેટ્રો રેલ સિસ્ટમમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યાનો ડેટા ઉપલબ્ધ નથી.
લોઅર પરેલમાં પાટા પર ડેલિસલ બ્રિજના નિર્માણ અંગે અપડેટ કરતા મિશ્રાએ કહ્યું કે રેલ્વે લાઇનની ઉપરનો ભાગ જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. જનરલ મેનેજરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેએ આગળના કામ માટે નાગરિક સંસ્થાનું અધિકારક્ષેત્ર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યું છે.