ગાંધીનગરઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહિઓનું મૂલ્યાંકનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાની ગણતરી હતી, પરંતુ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને કોપી કેસના નિકાલ માટે મળનારી પરીક્ષા સમિતિની બેઠકને ચૂંટણી આચારસંહિતાનું ગ્રહણ લાગ્યું છે. કારણ કે ચૂંટણી પંચ દ્વારા પરીક્ષા સમિતિની બેઠકને મંજુરી મળી નથી. એટલે ધોરણ 10 અને 12ના પરિણામો ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના કહેવા મુજબ લોકસભાની ચૂંટણી આચારસંહિતાને કારણે પરીક્ષા સમિતિની બેઠક મળી ન શકતા ધોરણ-10 અને 12ની પરીક્ષામાં થયેલી ગેરરીતિના હિયરિંગનો મામલો અટક્યો છે. આચારસંહિતાને કારણે બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક થતી નથી એક બાજુ વહેલું પરિણામ જાહેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ પરીક્ષા સમિતિની બેઠક યોજી ન શકાતા પરિણામ તૈયાર થઈ ગયું હશે તો પણ વિલંબ થશે. રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ શિક્ષણ બોર્ડની દરખાસ્ત 10-12 દિવસથી પડતર છે. જેનો સત્વરે નિર્ણય કરવા બોર્ડ સભ્ય ડૉ.પ્રિયવદન કોરાટ દ્વારા માંગ કરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન થયેલા પરીક્ષા ચોરીના કેસ તેમજ પાછળથી સીસીટીવી કેમરામાં ધ્યાને આવેલા ગેરરીતિના કેસ અને ઉત્તરવહી મૂલ્યાંકન દરમિયાન ધ્યાને આવેલા સામૂહિક કોપી કેસના નિકાલ માટે શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક ગાંધીનગર ખાતે મળે અને રૂબરૂ વિદ્યાર્થીને બોલાવી રૂબરૂ સુનાવણી કરી ગુણદોષ જોઈને વિદ્યાર્થીને સજા કે નિર્દોષના નિર્ણય કરવામાં આવતા હોય છે. પરંતુ પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે 10-12 દિવસ પહેલા જ ચૂંટણી પંચ સમક્ષ મંજુરી માગવામાં આવી છે, પરંતુ હજુ મંજુરી આપવામાં આવી નથી.
શિક્ષણ બોર્ડના સભ્ય ડૉ.પ્રિયવદન કોરાટ જણાવ્યું હતું કે, પ્રથમ તો એ જોવાનું થાય છે કે આ બાબતે આચારસંહિતા લાગે કે કેમ? દર વર્ષે યોજાતી પરીક્ષાની પ્રક્રિયાનો આ એક ભાગ છે, ત્યારે આ અંગે વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિતમાં સત્વરે નિર્ણય થાય તેવી માંગ કરી છે.