ગાંધીનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ગાંધીનગર,વડનગર, વરેઠા સુધીની નવી શરૂ કરાટેલી મેમુ ટ્રેનને મુસાફરો મળતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ ગાંધીનગરથી વડનગર થઈ વરેઠા સુધીની મેમુ ટ્રેન શરૂ કરી હતી પરંતુ તેને પૂરતા પેસેન્જર મળતાં જ નથી. ટ્રેન શરૂ થયા બાદ 34 દિવસમાં ટ્રેનને ફક્ત 532 પેસેન્જરો એટલે કે રોજના સરેરાશ 16 પેસેન્જરોએ તેમજ વરેઠાથી ગાંધીનગરમાં ફક્ત 1303 પેસેન્જરો એટલે કે રોજના સરેરાશ 38 પેસેન્જર મળ્યા છે અને રેલવેને રોજની ફક્ત સરેરાશ 1920 રૂપિયાની જ આવક થઈ હતી.
વડાપ્રધાને આ મેમુ ઉપરાંત ગાંધીનગરથી વારાણસી સુપરફાસ્ટ ટ્રેનની શરૂઆત કરી હતી. વારાણસી જતી ટ્રેનને મોટાભાગે અમદાવાદથી પેસેન્જરો મળી રહે છે. જ્યારે ગાંધીનગરથી ડાયરેક્ટ વરેઠા અને ખેરાલુ માટે તેમજ ખેરાલુ અને વરેઠાથી ડાયરેક્ટ ગાંધીનગર માટે આજદિન સુધી એક પણ ટિકિટ બુક થઈ નથી. જો કે અત્યાર સુધીમાં ટિકિટો મહેસાણાથી બુક થઈ હતી. ગાંધીનગરથી વરેઠા મેમુ અમદાવાદ સુધી લંબાવાય તો પેસેન્જરો મળી શકે તામ છે. અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો ઉત્તર ગુજરાત તરફ જતા હોય છે. એટલે મેમુ ટ્રેનનો અમદાવાદ સુધી લંબાવવીની માગ ઊઠી છે. નવી શરૂ કરાયેલી આ મેમુ ટ્રેનની હાલત તો એવી છે કે ટ્રેનને આ રૂટ્સ પર એક વખત દોડાવવામાં બે હજારનો ય વકરો થતો નથી. મેમુ ટ્રેન ખાલીખમ દોડી રહી છે. કારણ કે ગાંધીનગરથી વડનગર અને વરેઠા જનારા ખૂબજ ઓછા હોય છે. એટલે લોકો હવે આ મેમુ ટ્રેનના રૂટ્સને અમદાવાદ સુધી લંબાવવાની માગ કરી રહ્યા છે.