સિક્કીમમાં વિતેલી રાતથી વરસાદનું જોર જોવા મળતા તિસ્તા નદીએ રોદ્ધ રુપ ઘારણ કર્યું છે. ગઈકાલે રાતથી તિસ્તા નદીના જળસ્તરમાં અસાધારણ વધારો થતાં વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર સિક્કિમના ચુંગથાંગ શહેરની કનેક્ટિવિટી પર એક પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો ત્યાર બાદ આઅસર થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર સિક્કિમમાં ગઈકાલે રાત્રે અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણની તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું.પાણીનું સ્તર ઊંચું હોવાને કારણે સિન્ટમમાં સૈન્ય મથક પૂરની ઝપેટમાં આવી ગયું હતું. 20થી વધુ સૈનિકો ગુમ થયા હોવાના અહેવાલ છે. સેનાનું બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સવારે રાજ્યના તાડોંગ (પૂર્વ સિક્કિમ)માં 30.0 મિ.મી. રાવાંગલા (દક્ષિણ સિક્કિમ) માં 52.0 મીમી; મંગા ગીઝિંગ (પશ્ચિમ સિક્કિમ) ખાતે 39.5 મીમી; યુક્સોમ (પશ્ચિમ સિક્કિમ) માં 26.5 મીમી; સોરેંગ (પશ્ચિમ સિક્કિમ)માં 84.0 મીમી વરસાદ, નામચી (દક્ષિણ સિક્કિમ)માં 98.0 મીમી અને નમથાંગ (દક્ષિણ સિક્કિમ)માં 90.5 મીમી વરસાદ જોવા મળ્યો હતો.
જાણકારી અનુસાર તિસ્તાના પાણીમાં અસાધારણ વધારો થયા બાદ સિક્કિમના ઉત્તર અને પૂર્વ જિલ્લાના રહેવાસીઓને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોના તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તિસ્તા નદીના કિનારે રહેતા લોકોને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે.