અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં વારંવાર ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ત્યા જ સોમવારથી બે દિવસ માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 8-9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ટ્રફ લાઈન દક્ષિણ ગુજરાત પરથી પસાર થવાની હોવાથી રાજ્યમાં કમોસમી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે આગામી 8-9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખરાબ હવામાનને કારણે હવાઈ મુસાફરીને અસર પડવાની સંભાવના છે, આથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા ઉદ્યોગપતિઓની ફ્લાઈટ મોડી પડી શકે છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ત્યાર બાદ છૂટાછવાયા વાદળ બંધાવાનું શરૂ થતાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે એવી શક્યતા છે. ત્યાર બાદ ત્રીજા દિવસથી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 8 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, અને દાદરા અને નગર-હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ટ્રફ લાઈન દક્ષિણ ગુજરાત પરથી પસાર થવાની હોવાથી રાજ્યમાં કમોસમી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે. (File photo)