દિલ્હીઃ- દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ શરુ થઈ ચૂક્યો છે ત્યારે ક્યાંક હાલ પણ લોકો ગરમી સહન કરી રહ્યા છે હવામાન વિભાગ દ્રારા દેશના 12 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઓડિશા સહિત 12 રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સહીત વિતેલા દિવસને, ગુરુવારે દેશના વિવિધ ભાગોમાં વરસાદનો કહેર પણ જોવા મળ્યો હતો ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો છે.
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં નદીઓ અને નાળાઓ છલકાયા ગયા હતા. તે જ સમયે, યુપી અને મધ્ય પ્રદેશમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં નવ લોકોના મોત થયા છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ દેશના મોટાભાગના પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વરસાદની આગાહી વાળા રાજ્યમાં બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ઓડિશા અને બિહારનો સમાવેશ થાય છે.
આ સાથે જ ગુજરાત, ઉત્તરાખંડ અને રાજસ્થાનના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.