દિલ્હી:ભારતીય હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી છે.ધુમ્મસ અને વાદળછાયા દિવસના કારણે મંગળવારે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ઠંડીનો અનુભવ થયો હતો, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
IMDની આગાહી મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી શીત લહેર યથાવત રહેશે.આ પછી જ લોકોને થોડી રાહત મળશે.IMDએ ચેતવણી આપી છે કે ખરાબ હવામાનને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.આ સાથે વાહનો વચ્ચે અથડામણ, ટ્રેનોના સંચાલનમાં વિલંબ અને ફ્લાઈટ્સ રદ થવાની ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગનું કહેવું છે કે,અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને બળતરા અને આંખોમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.
IMD એ લોકોને લાંબી મુસાફરી દરમિયાન પાણી અને દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ સાથે રાખવા અને ફોગ લાઇટનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે વાહન ચલાવવાનું સૂચન કર્યું હતું. લોકોને મુસાફરી કરતા પહેલા રેલ્વે, એરલાઈન્સ, રાજ્ય પરિવહન અને ફેરી સર્વિસ ઓપરેટરો સાથે પૂછપરછ કરવાની સલાહ પણ આપી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. 6 જાન્યુઆરી સુધીમાં તાપમાન ચાર ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહ સુધી દિલ્હી સહિત NCR વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની સંભાવના છે.તે જ સમયે, વિભાગે 7 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ અને ઠંડા દિવસો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.