Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં જુનના છેલ્લા સપ્તાહમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આગમન બાદ ચોમાસાનું જોર ધીમું પડી ગયું છે. હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ નથી ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. કે. જુન મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે. 25મી જુનથી 30 જુન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વાજતે-ગાજતે મેઘરાજાની પધરામણી થશે.

ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જુન સુધીમાં મેઘરાજાનું આગનમ થી જતું હોય છે. પણ આ વર્ષે નબળી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની ઉણપ સર્જાઈ રહી છે. પરંતુ હવે જૂન મહિનાના અંત સુધીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ખેડુતોએ વાવણીની આગોતરી તૈયારી કરી દીધી છે. ખેતરો પણ ખેડીને તૈયાર કરી દીધા છે. બિયારણની પણ ખરીદી કરી દીધી છે. ખેડૂતો હવે વાવણીલાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી 25 થી જુનથી વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા છે.

સૂત્રોના કહેવા મુજબ નબળી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે ઉત્તર ગુજરાતમાં 20મી જૂન સુધીમાં સરેરાશ 34.3 મીમી વરસાદની જરૂરીયાત સામે માત્ર 2.2 મીમી વરસાદ થયો છે. 47 તાલુકા પૈકી માત્ર 10 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાપટાં પડ્યા છે. જ્યારે 37 તાલુકામાં વરસાદનો છાંટોયે પડ્યો નથી. 5 જિલ્લામાં બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા વિક સ્થિતિ જોવા મળી રહી છે.  આ ઉપરાંત પાટણમાં 95.71%, મહેસાણામાં 93.72%, સાબરકાંઠામાં 92.17% અને અરવલ્લીમાં 88.10% વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 જૂનથી અરવલ્લી અને બનાસકાંઠાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ચોમાસાનું આગમન થશે. 24 જૂને પાંચેય જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, 25 જૂને ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે વરસાદનું જોર વધી શકે છે. જૂન મહિનાની 25 થી ઉત્તર ગુજરાતના 50% વિસ્તારમાં ગાજવીજ વરસાદ વરસી શકે છે. (File photo)