Site icon Revoi.in

સુરતમાં બંગલા પર પડેલી મેટ્રોની ક્રેન 6 દિવસ બાદ પણ હટાવાઈ નથી

Social Share

સુરતઃ શહેરના નાના વરાછા વિસ્તારમાં સપ્તાહ પહેલા મેટ્રોની ક્રેન લોંચર મશીન સાથે એક બંગલા પર પડી હતી. ક્રેન બંગલા પર પડતા થોડુઘણું મુકસાન પણ થયું હતું પણ સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. 6 દિવસ પહેલા મેટ્રોની કામગીરી વખતે અકસ્માતે બંગલા પર પડેલી ક્રેન હાલ યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે. દરમિયાન મેટ્રોના અધિકારીઓ દ્વારા છેક 6 દિવસ બાદ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ ફટકારાઈ છે. જોકે, હજુ સુધી આ ક્રેનને હટાવવામાં આવી નથી. મેટ્રોના અધિકારીઓ દ્વારા તેને હટાવવા માટે સ્ટડી કરવામાં આવી રહી છે. જ્યારે બે દિવસ બાદ આ ક્રેનને હટાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે બંગલાના માલિક મંજૂરી આપશે.  ત્યારબાદ જ ક્રેન હટાવવામાં આવશે.

​​સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં ગત ગુરુવારે મેટ્રોના પીલર પર ગર્ડર બેસાડવા માટેનું લોન્ચર મશીન પીલર પર ચડાવવા જતી વખતે હાઈડ્રોલિક કેન તૂટી પડી હતી. આ ઘટનામાં એક બંગલાને નુકશાન થયું હતું તેમજ ક્રેનના ડ્રાઇવરને ઇજા થઈ હતી. આ ઘટનાના છ દિવસ બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર કંપની રણજિત બિલ્ડકોનને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં આ દુર્ઘટના થવા અંગે ત્રણ દિવસમાં ખુલાસો કરવા અલ્ટીમેટમ અપાયું છે. જો કંપની દોષિત જણાશે તો એગ્રીમેન્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ મેટ્રોના અધિકારીઓ કહી રહ્યા છે. ઘટનાના સાત દિવસ બાદ પણ અત્યાર સુધી પડી રહેલી ક્રેન ઉતારવાની કામગીરી કરવામાં આવી નથી. ક્રેનના તમામ સ્પેર પાર્ટસ છૂટા કરવા બે ક્રેન પણ ત્યાં પહોંચી ગઈ છે. તૂટી પડેલી ક્રેનને ઉતારવા માટે બે ક્રેન મંગાવાઇ છે. મકાનમાલિક મહેશ દેસાઈને મેટ્રોની ટીમે રૂબરુ મળવા બોલાવ્યા હતા અને હવે ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરવા માટે તેમની પરવાનગી માંગી હતી પરંતુ, મકાનમાલિકે હાલ ક્રેન નહી હટાવવા માટે જણાવ્યું હતું કારણ કે, મકાનમાં રિપોર્ટ બનાવવા માટે જે એજન્સી રોકી છે, તે એજન્સીનો રિપોર્ટ બે દિવસમાં આવશે. ત્યારબાદ જ તેઓ ક્રેન હટાવવા માટે પરવાનગી આપવી કે કેમ તે અંગે નિર્ણય લેશે. મકાનમાલિક તમામ વસ્તુઓ લેખિતમાં લઈ બાંહેધરી લેશે જે માટે તેમને 2 દિવસનો સમય માંગ્યો છે.